અમદાવાદઃ દેશમાં સોનાના ભાવમાં થયેલા વધારાને પગલે વિદેશથી સોનાની દાણચોરીના બનાવોમાં વધારો થયો છે. જેથી કસ્ટમ દ્વારા સોનાની દાણચોરીને ઝડપી લેવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન અમદાવાદ એરપોર્ટ ઉપરથી એક વર્ષના સમયગાળામાં દાણચોરીના બનાવોમાં લગભગ 107 કિલોથી વધારે સોનુ ઝડપી લેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. વર્ષ 2021-22માં અમદાવાદ એરપોર્ટ ઉપરથી 34 કિલો સોનું ઝડપી લેવામાં આવ્યું હતું. જેની સરખામણીએ વર્ષ 2022-23માં આ આંકડો વધ્યો છે.
સોનાની બેઝીક કસ્ટમ ડયુટીમાં વધારો કરાયા પછી સોનાની દાણચોરીમાં વધારો થઇ રહ્યો છે. 1 જુલાઇ 2022થી સોના પર 12.5 ટકા બેઝીક કસ્ટમ ડયુટી અને 2.5 ટકા કૃષિ સેસ લાગે છે. આ ઉપરાંત સોનાની ખરીદી પર 3 ટકા જીએસટી લાગે છે. આમ બધુ મળીને સોના પર 18 ટકા જેટલો ટેક્ષ લાગે છે. સોના ઉપર ટેક્સના કારણે સોનાની દાણચોરીના બનાવોમાં વધારો થયો છે. એટલું જ નહીં દાણચોરી માટે દાણચોરો નવી-નવી તરકીબો અજમાવી રહ્યાં છે.
બીજી તરફ એરપોર્ટ ઉપર વિદેશથી સોનુ લઈને આવતા દાણચોરોને ઝડપી લેવા માટે કસ્ટમ વિભાગ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ સોનાની દાણચોરી માટે દાણચોરો માટે સ્વર્ગ સમાન બન્યું હોય તેમ લાગી રહ્યું છે. જો કે, એરપોર્ટ ઉપર સોનાની દાણચોરી અટકાવવા કસ્ટમ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીને પગલે મોટી સંખ્યામાં દાણચોરીનું સોનુ અમદાવાદ એરપોર્ટ ઉપરથી ઝડપાય છે.
કેન્દ્રીય નાણા મંત્રાલયના આંકડા અનુસાર વર્ષ 2022-23ના નાણાકીય વર્ષમાં 28 ફેબ્રુઆરી 23 સુધીમાં અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 107.47 કિલો દાણચોરીનું સોનું ઝડપાયું હતું. જે 2021-22માં ઝડપાયેલ 34 કિલોગ્રામમાં 216 ટકાનો વધારો દર્શાવે છે.