Site icon Revoi.in

અમદાવાદ એરપોર્ટઃ સોનાની દાણચોરી કેસમાં મુંબઈથી માસ્ટર માઈન્ડની ડીઆરઆઈએ ધરપકડ કરી

Social Share

અમદાવાદઃ શહેરના એરપોર્ટ ઉપર છ મહિના પહેલા સોનાની ઝડપાયેલા દાણચોરીના કેસની ડીઆરઆઈએ તપાસ આરંભીને મુંબઈથી મુખ્ય સુત્રધારને ઝડપી લીધો હતો. તેમજ તેની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીની તપાસમાં ચોંકાવનારા કુલાસા થવાની શકયતા છે. આ પ્રકરણમાં એરપોર્ટના કેટલાક કર્મચારીઓની પણ સંડોવણી સામે આવી હતી. મુંબઈથી ઝડપાયેલો આ માસ્ટર માઈન્ડ આખી ગેંગ ચલાવતો હતો. અમદાવાદ એરપોર્ટ ઉપર સોનાની દાણચોરીને અટકાવવા માટે કસ્ટમ સહિતની એજન્સીઓ દ્વારા વિદેશતી આવતા મુસાફરોની સઘન તપાસ કરવામાં આવે છે. વિવિધ એજન્સીઓની ધોંસ વધતા દાણચોરો પણ સોનાની દાણચોરી માટે નવી-નવી તરકીબો અજમાવી રહ્યાં છે.

સુત્રોના જણાવ્યા અનુસાર જુલાઈ મહિનામાં અમદાવાદ એરપોર્ટ ઉપરથી ડીઆરઆઈએ સોનાના 3.8 કિલોગ્રામ સોનાના બિસ્કીટ સાથે બે વ્યક્તિઓને ઝડપી લીધા હતા. આ બંને શખ્સો દુબઈથી ફ્લાઈટમાં અમદાવાદ આવ્યાં હતા. આ પ્રકરણમાં એરપોર્ટ સ્ટાફની સંડોવણી પણ ખુલી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં છ આરોપીઓને ઝડપી લઈને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ પ્રકરણમાં મુંબઈના વેપારીની સંડોવણી સામે આવી હતી. આ વેપારી જ સોનાની દાણચોરીમાં મુખ્ય સુત્રધાર હોવાનું સામે આવ્યું હતું. જેથી ડીઆરઆઈની ટીમે મુંબઈમાં ધામા નાખીને તપાસ આરંભી હતી. દરમિયાન માસ્ટરમાઈન્ડની તપાસનીશ એજન્સીએ ધરપકડ કરી છે. આ ટોળકી સોનાની દાણચોરીની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ છેલ્લા કેટલાક સમયથી કરતા હતા.