ગાંધીનગરઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વછતા ઝૂંબેશ અભિયાન સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત લીગસી વેસ્ટ રીમુવલ કામગીરી સહિત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નાગરિકો અને સેવાભાવી સંસ્થાઓ તેમજ અન્ય એજન્સીઓના મળેલ અભૂતપૂર્વ સહકારને ધ્યાને રાખી અમદાવાદ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા સ્વચ્છતાનું લેવલ વધુ સુદૃઢ કરવાનાં ભાગરૂપે 60 દિવસમાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવવા અંગે 7 ઝોનનાં 48 વોર્ડ તથા ઇજનેર, ગાર્ડન, હેલ્થ, યુ.સી.ડી., એસ્ટેટ, વગેરે વિભાગ કક્ષાએથી કરવાની થતી કામગીરીઓનું તા. 11 ઓક્ટોબરથી 16 ડિસેમ્બર, 2023 સુધી આયોજન કરવામાં આવ્યું છે. શહેરના પૂર્વ ઝોનમાં સ્વછતા ઝૂંબેશ અંતર્ગત 2 મેટ્રીક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. પૂર્વ ઝોનના નિકોલ વિસ્તારના કઠવાડા ખાતે ઈન્દોર હાઈવે પર આવેલા હુડકો વસાહત ખાતે પડેલ લીગસી વેસ્ટનો નિકાલ કરવા સફાઈના આગવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લીગસી વેસ્ટ રીમુવલ સ્વચ્છતા અભિયાન સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યું છે. આ સાથે જ વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના દક્ષિણ ઝોનમાં દેવ હોટેલથી શાસ્ત્રી બ્રિજ સુધીના લાંભા અને બહેરામપુરા વોર્ડની બંને બાજુના રોડ ઉપર ખાસ આયોજન ઝુંબેશના ધોરણે કામગીરી કરાવામાં આવી છે. દક્ષિણ ઝોનના આ સફાઈ અભિયાનમાં 2 જેસીબી અને 4 ટ્રકો દ્વારા કુલ 72 ટન જેટલા કચરા અને માટીનો નિકાલ કરાવામાં આવ્યો હતો. નાગરિકો દ્વારા કરવામાં આવેલી આ સફાઈ કામગીરીમાં 2 ટન જેટલો કચરો એકત્રિત કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. 407 વાહન તથા કોમ્પેક્ટ વાહનો દ્વારા આ કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનનાં જીવરાજ પાર્ક બ્રિજથી રાજીવનગર રેલવે લાઇન તથા આતેશ અંડરપાસથી જીવરાજ પાર્ક રેલ્વે લાઈન પર પડેલ લીગસી વેસ્ટનો નિકાલ કરવા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત 3 ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.