Site icon Revoi.in

અમદાવાદઃ રસ્તા ઉપર ગટરનું પાણી છોડતી બે સોસાયટીઓએ AMCએ ફટકાર્યો 40 લાખનો દંડ

Social Share

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદને સ્વચ્છ બનાવવા માટે મનપા દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી બે ફ્લેટ દ્વારા ગટરના પાણીને રસ્તા ઉપર છોડીને પ્રજાના આરોગ્ય સાથે ચેંડા કરનારા સોસાયટીના ચરમેન અને સેક્રેટરી સહિતના સભ્યોને રૂ. 20-20 લાખ મળીને રૂ. 40 લાખનો દંડ ફટકારતી નોટિસ પાઠવવામાં આવી હતી. મનપાની આ કામગીરીને કારણે રસ્તા ઉપર ગટરના પાણી છોડતી અન્ય સોસાયટીના સભ્યો અને હોદ્દેદારોમાં ફફડાટ ફેલાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના રામોલ વિસ્તારમાં  બે સોસાયટીમાં ગટરના પાણીના નિકાલ માટે ખાળકુવા બનાવવામાં આવ્યાં છે. આ ખાળકુવા ભરાઈ જવા છતા સોસાયટીના આગેવાનો દ્વારા તેને સાફ કરાવવામાં આવતા નહીં હોવાનું જાણવા મળે છે. જેથી સોસાયટીનું ગટરનું પાણી રસ્તા ઉપર છોડવામાં આવતું હતું. જેથી અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં હતા. આ અંગે સ્થાનિકો દ્વારા સોસાયટીના આગેવાનોને અનેક વાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તેમના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. અંતે સ્થાનિકો દ્વારા કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેથી તંત્રએ રસ્તા ઉપર ગટરનું પાણી નહીં છોડવા માટે તાકીદ કરી હતી. તેમ છતા ગટરના પાણી રસ્તા ઉપર જ છોડવામાં આવતું હોવાથી કોર્પોરેશન દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.એટલું જ નહીં બંને સોસાયટીઓને સાત દિવસમાં 20-20 લાખ જમા કરાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. જો આ રકમ સાત દિવસમાં જમા નહીં કરાવવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવાની પણ સૂચના આપી છે.