Site icon Revoi.in

અમદાવાદઃ હાઈકોર્ટની આકરી ટકોર બાદ એએમસીએ રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ કરી

Social Share

અમદાવાદઃ રખડતા ઢોર મામલે હાઈકોર્ટના ઠપકા બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે તેમજ અમદાવાદમાં પણ મનપા તંત્ર દોડતું થઈ ગયું છે. આકરી ટકોર બાદ એએમસીએ રખડતા ઢોર મામલે કાર્યવાહી શરૂ કરી છે. તેમજ મનપાએ બોડકદેવ સહિતના વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની કવાયત શરૂ કરાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેર રાજ્યભરમાં રખડતા ઢોરની સમસ્યા વધી છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે એટલું જ નહીં અકસ્માતના બનાવો વધ્યાં છે. તાજેતરમાં રખડતા ઢોર સાથે વાહન અથડાતા ચાલકનું મોત થયું હતું.

આ ઉપરાંત રસ્તા ઉપર અડીંગો જમાવતા ઢોરોએ અનેક રાહદારીઓને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે. રખડતા ઢોર મામલે હાઈકોર્ટની ટકોર બાદ આખરે કોર્પોરેશન ઉંઘમાંથી જાગ્યું છે. તંત્રએ બોડકદેવ વિસ્તારમાં સવારથી રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ કરી. ગઈકાલે કેબીનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ પણ રખડતા ઢોર મામલે નારાજગી વ્યક્ત કરી હતી.

સુરતમાં રખડતા ઢોરને પગલે મૃત્યુને લઈને ગુજરાત હાઈકોર્ટે કડક વલણ દાખવ્યું છે. ગુજરાતમાં રખડતા પશુને લઈ સરકારને તાત્કાલિક પગલાં લેવા હાઈકોર્ટે આદેશ આપતા કહ્યું કે સરકાર જાગે અને સ્થાનિક તંત્ર જાગે.