Site icon Revoi.in

અમદાવાદઃ કોરોનાની સાથે સ્વાઈનફ્લૂના કેસમાં ચિંતાજનક વધારો

Social Share

અમદાવાદઃ હેરિટેજ સિટી અમદાવાદમાં કોરોના મહામારી વચ્ચે હવે જીવલેણ મનાતા સ્વાઈનફ્લૂના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં શહેરમાં છ વર્ષ સુધીની વય ધરાવતા 27 બાળક સહિત સ્વાઈન ફલૂનાં કુલ 336 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે.સ્વાઈન ફલૂના કેસમાં એકાએક થયેલા વધારાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલોમાં સ્વાઈન ફલૂના દર્દીઓને સારવાર આપવા માટે આઈસોલેશન વોર્ડ કાર્યરત કરવામાં આવ્યા છે.

ઓગસ્ટ મહિનાના આરંભથી શહેરમાં કોરોના ઉપરાંત સ્વાઈન ફલૂના કેસની સંખ્યામાં પણ ખુબ ઝડપથી વધારો થવા પામ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એડીશનલ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન જોશીએ કહયુ હતું કે, આ મહિનાની શરુઆતથી અત્યાર સુધીમાં સ્વાઈન ફલૂના 336 કેસ નોંધાવા પામ્યા છે, એમાં 6 વર્ષ સુધીના 27 બાળકોમાં પણ સ્વાઈન ફલૂના લક્ષણ જોવા મળ્યા છે. 6થી 15 વય જુથના કુલ 68 બાળક સ્વાઈનફલૂ સંક્રમિત થયા છે. 16 થી 40 વય જુથના 84 લોકો સ્વાઈનફલૂ ગ્રસ્ત થયા છે. 41થી 55 વયના 79 લોકો સ્વાઈનફલૂનો શિકાર બન્યા છે. 56 થી વધુ વય ધરાવતા 78 લોકોમાં સ્વાઈનફલૂના લક્ષણ જોવા મળ્યા છે.

સ્વાઈનફલૂના કેસ વધતા મ્યુનિસિપલ તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ એએમસી હસ્તકની હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપવા આઈસોલેશન વોર્ડ શરુ કરાયા છે. જુલાઈ મહિનામાં શહેરમાં સ્વાઈન ફલૂના 30 થી વધુ કેસ નોંધાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વર્ષ 2020થી કોરોનાના કેસ સતત સામે આવી રહ્યાં છે. રાજ્યમાં સૌથી વધારે કેસ મેગાસિટી અમદાવાદમાં જ નોંધાયાં છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે.