અમદાવાદઃ રાજ્યમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ છે. દર્દીઓ માટે હોસ્પિટલોમાં જગ્યા નથી, તેમજ રેમડેસિવિર ઈન્જેક્શન માટે દર્દીઓના સગાઓ પરેશાન થઈ રહ્યા છે. કલાકો સુધી લાઈનમાં ઊબા રહેવા છતાં ઈન્જેક્શન મળતા નથી.આથી લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવિર ઈન્જેક્શન કોઈ જડીબુટ્ટીથી ઓછું નથી. પરંતુ આ જ ઈન્જેક્શન માટે રીતસરની પડાપડી થઈ રહી છે. તેમાં પણ ગુજરાતના બે શહેરોની હાલત કફોડી બની છે. સુરત અને અમદાવાદમાં રેમડેસિવિર લેવા માટે ટોળાં ઉમટી પડે છે. છતાં અડધાથી વધુ લોકોને નિરાશ થઈને પરત ફરવું પડી રહ્યું છે.
અમદાવાદ અને સુરતમાં રેમડેસિવિર ઈન્જેક્શન માટે બે કિલોમીટરની લાઈનો સવારથી પડી છે. લોકો ખાધાપીધા વગરના રાત્રિના 9 વાગ્યાથી લાઇનમાં ઉભા છે. છતા ઈન્જેક્શન ન મળતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. સવારે 8 વાગ્યે કિરણ હિસ્પિટલના સંચાલકો ટોકન અને ઇન્જેક્શન નહિ મળશે તેવું કહ્યું હતું. આ વચ્ચે ઈન્જેક્શન લેવા આવનારા લોકોની એક જ માંગ છે કે, ટોકન આપો. સુરતમાં તાજેતરમાં જ રાજ્ય સરકારે 10 હજાર રેમડેસિવિર ફાળવ્યા છે. તો સાથે જ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે પણ અલગથી ઈન્જેક્શનનોની લ્હાણી કરી છે. તેમ છતાં આ ચિત્ર સામે આવ્યું છે.