અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ-ગાંધીનગર મેટ્રોરેલ પ્રોજેક્ટના બીજા તબક્કાનું તથા સુરતના મેટ્રોરેલ પ્રોજેક્ટનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ખાતમુહર્ત કર્યું હતું. તેમજ અમદાવાદ અને સુરત આત્મનિર્ભરતાને સશક્ત કરતા શહેર બન્યાં હોવાનું જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશમાં નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પ્રયત્નો ચાલી રહ્યાં છે અને નવા પ્રોજેક્ટ પર કામ શરૂ થયા છે. કોરોનાકાળમાં પણ નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણને લઈને દેશ ઉત્તરોતર પ્રગતિ કરી રહ્યો છે. 2014 પહેલાના 10-12 વર્ષમાં માત્ર 225 કિમી મેટ્રો લાઈન ઓપરેશનલ થઈ હતી. પરંતુ ગત 6 વર્ષોમાં 450 કિમીથી વધારે મેટ્રો નેટવર્કનું કામ થઈ ચૂક્યું છે. અમદાવાદ પછી સુરત ગુજરાતનું સૌથી મોટું શહેર છે જે મેટ્રો જેવી આધુનિક પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સાથે જોડાશે. અમે શહેરોને પરિવહનને એક ઈન્ટીગ્રેટેડ સિસ્ટમ તરીકે વિકસિત કરી રહ્યા છીએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આયુષ્યમાન ભારત યોજના હેઠળ ગુજરાતના 21 લાખ લોકોને મફત સારવાર મળી છે. તેમજ હવે ગુજરાતનું દરેક ગામડું પાણી સમુદ્ધ બની ચૂક્યું છે. એટલું જ નહીં, હવે લગભગ 80 ટકા નળથી જળ પહોંચી રહ્યું છે. જલ જીવન મિશન હેઠળ રાજ્યમાં 10 લાખ નવા પીવાના પાણીના કનેક્શન નખાયા છે અને ખુબ જ જલ્દી ગુજરાતના દરેક ઘરમાં નળથી જળ પહોંચાડીશું.
આ પ્રસંગે ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, અમદાવાદ અને સુરત માટે આજે શુભ દિવસ છે. શહેરી વિકાસના પડાવને આગળ લઈ જવાશે. ગુજરાતના સર્વાંગી વિકાસનો પાયો નરેન્દ્ર મોદીએ નાખ્યો હતો. તેમજ છેલ્લા 6 વર્ષમાં મોટા પાયે વિકાસ થયો છે.