અમદાવાદઃ શહેરમાં હાટકેશ્વર બ્રિજ જર્જરીતની ઘટનાની તપાસ ચાલી રહી છે દરમિયાન શાસ્ત્રી બ્રિજ જર્જરિત હોવાથી તેના સમારકામ માટે બે મહિના સુધી ભારે વાહનોના અવર-જવાર માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર શાસ્ત્રી બ્રિજ છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં હોવાથી તેના રિપેરીંગની માંગણી ઉઠી હતી. તેમજ અનેકવાર તંત્ર સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. જો કે, કોઈ અસરકારક કામગીરી કરવામાં નહીં આવતા લોકોમાં રોષ ફેલાયો હતો. હવે બ્રિજની રિપેરિંગ કરવાનો નિર્ણય લેવાયો છે જેથી ભારે વાહનોના અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જો કે, નાના વાહનો જ અવરજવર કરી શક્શે. બ્રિજ પર આઠ ફૂટની એક એંગલ લગાવી દેવામાં આવી છે જેથી માત્ર ટૂ વ્હીલર અને રીક્ષા અને નાની ગાડીઓ જ પસાર થઈ શક્શે. ભારે વાહનો માટે હવે વાસણા એપીએમસીથી લઈને આંબેડકર બ્રિજ પરથી ડાઈવર્ઝન આપવામાં આવ્યુ છે.
શહેરમાં આવેલો શાસ્ત્રી બ્રિજ છેલ્લા કેટલાય સમયથી જર્જરિત થયો છે તેમજ આ બ્રિજમાં મસમોટી તિરાડો પડી ગઈ છે. વિશાલાથી ગ્યાસપુરને જોડતા આ બ્રિજમાં દરરોજ લાખો વાહનો પસાર થાય છે અને જ્યારે મોટા વાહનો પસાર થાય ત્યારે ધ્રુજારી મારે છે. આ અંગેની તંત્રને હોવા છંતા પણ કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા અને બ્રિજને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા હતા ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજનો વિશાલા ત્રણ રસ્તાથી નારોલ તરફનો એક ભાગ બંધ કરી દેવામાં આવ્યો છે.