અમદાવાદઃ શહેરમાં આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા નીકળી હતી. સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધી કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. રથયાત્રાના રૂટ ઉપર ઠેર-ઠેર ભગવાનના ત્રણેય રથ અને મંદિરના મહંતનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ભક્તોને જાંબુ, કાકડી અને ફણગાવેલા મગ સહિતના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્ચાએ નીકળ્યા હતા. 2 વર્ષ બાદ જગતના નાથ નગરચર્યાએ નીકળ્યા છે જેને લઈને ભકતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 3.50 વાગ્યે જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. વહેલી સવારે 3:55 વાગ્યે ભગવાનના કપાટ ખુલ્યા હતા અને ચાર વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાનની મંગળા આરતી કરી હતી. સવારે 5.30 વાગ્યાની આસપાસ ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. સવારે જય જગન્નાથ અને જય રણછોડ માખણચોરના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથ સહિત બળભદ્રજી અને બહેન સુભદ્રાના દર્શન કર્યા અને ત્યારબાદ સોનાની સાવરણીથી કચરોવાળીને પહિંદવિધિ કરી હતી. તેમણે ત્રણેય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રાના રૂટ ઉપર વિવિધ સંસ્થા અને સંગઠનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અનેક નજારા આકર્ષણનું કેન્દ્ર રહ્યાં હતા. રથયાત્રા સમયે અખાડાના કરતબ આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતા. જ્યારે કરતબબાજોએ પણ વિવિધ કરતબ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા. મોટાભાઈ અને બહેન સાથે નગરચર્ચાએ નીકળેલા ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. ત્રણેય રથ AMC કોર્પોરેશન પહોંચ્યા હતા. જ્યારે શહેરના મેયર, હોદ્દેદારો, કોર્પોરેટરોએ રથ અને મંદિરના મહંતનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
કોરોનાને પગલે ૨૦૨૦માં ત્રણેય રથને મંદિર પરિસરમાં જ પરિક્રમા કરવી પડી હતી. જ્યારે ૨૦૨૧માં ભક્તો વિના જ રથયાત્રા યોજાઇ હતી. પરંતુ આ વખતે બે વર્ષ બાદ સેંકડો ભક્તોની ઉપસ્થિતિમાં જગતના નાથ નગરચર્યાએ નીકળી છે. જેના કારણે આ વખતે ભક્તોનો ઉત્સાહ બેવડાયો છે. રથયાત્રાનો સમગ્ર રૂટ ‘જય રણછોડ’ ના નાદથી ગૂંજી ઉઠ્યું છે. રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજો, 18 ભજન મંડળીઓ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથેના 30 અખાડા અને 3 બેન્ડવાજાવાળા પણ જોડાયાં છે.