અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ડોમેસ્ટીક એરપોર્ટ પરથી સ્ટાર એરની ફલાઇટમાં ભુજ જતા 50 પેસેન્જરોએ એરપોર્ટ પર છ કલાક રાહ જોયા બાદ ફલાઇટ રદ કરાતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બેલગામથી અમદાવાદ આવતી ફલાઇટમાં ટેકઓફ પહેલા કેપ્ટનને એન્જિનમાં યાંત્રિક ખામી હોવાનું જણાયું હતું. આમ ફલાઇટને ટેકનિશિયનો દ્વારા ચેક કરવામાં આવતા પહેલા થોડીવારમાં રિપેર થઇ ગયા બાદ ઉડાન ભરશે તેવો રિપોર્ટ કર્યો હતો. પરંતુ રિપેર જ ન થતા ફલાઇટને ગ્રાઉન્ડ કરવામાં આવતા તમામ પેસેન્જરો રઝળી પડ્યા હતા. પ્રવાસીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, યાંત્રિક ખામીને લીધે ફ્લાઈટ રદ કરવી પડી પણ આ અંગે વહેલા જાણ કરી દેવી જોઈએ. પ્રવાસીઓને 6 કલાક બેસાડી રાખ્યા તેની સામે વિરોધ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર ભૂજ જવા માટે પ્રવાસીઓ ફ્લાઈટ ટેકઓફ થવાના સમય પહેલા આવી ગયા હતા.સ્ટાર એરની બેલગામથી અમદાવાદ આવતી ફલાઇટ રિટર્ન ભુજ માટે અમદાવાદથી બપોરે 12 વાગે ટેકઓફ થવાની હતી. આમ અમદાવાદ ભુજ જતાં 50 પેસેન્જરોને ફલાઇટ મોડી આવશે તેમ કહી ટર્મિનલમાં બેસાડી રાખ્યા હતા. પેસેન્જરોએ પૂછતાં એરલાઇન ફલાઇટને ચાર વખત મોડી કરતી ગઈ. પેસેન્જરોને ફલાઇટ આવશે તેવી બાંયધારી આપતા ગયા હતા. છેવટે બેલગામથી આ ફલાઇટ રિપેર થઇ શકે તેમ ન હોવાથી ગ્રાઉન્ડ કરવામાં આવી હતી, આમ અમદાવાદથી ભુજ જવા સવારે 10 વાગ્યે આવેલા પેસેન્જરો સાંજે આઠ કલાક બાદ ઘરે પરત ફરતા રોષે ભરાયા હતા. જેમાં કેટલાક પેસેન્જરોએ ટિકિટ કેન્સલ કરાવી રિફંડ લઇ લીધું હતું, કેટલાકે ડેટ ચેન્જ કરાવી દીધી હતી. જ્યારે ભુજથી અમદાવાદ આવતા 24 પેસેન્જરો રહી જતા તેમને પણ બાયરોડ અમદાવાદ આવવાની ફરજ પડી હતી.