અમદાવાદઃ ગુજરાતમાં આજે ઉતરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું હતું. તેમજ કાપયો… છે અને લપેટ જેવી ચિચીયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પરિવારજનો અને સમર્થકો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાં પતંગ ચગાવ્યો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદમાં દરિયાપુરની પોળમાં પતંગ ચગાવ્યો હતો. અમદાવાદમાં પોળ વિસ્તારની ઉતરાયણ ઘણી જાણીતી છે ત્યારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પતંગ ચગાવ્યા બાદ ચીકીનો આસ્વાદ પણ માણ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાં વાડીગામ વિસ્તારના નવા તળિયાની પોળના ધાબેથી પતંગ ચગાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને ઉતરાયણ પર્વની શુભેચ્છા આપી હતી તેમજ સાવચેતીથી પતંગ પર્વ ઉજવવાની અપીલ કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ ગુજરાત આવ્યાં છે અને તેમણે પણ પોતાના સમર્થકો સાથે અને પરિવારજનો સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની જનતાને ઉત્તરાયણ પર્વની શુભકામનાઓ પાઠવી હતી.