અમદાવાદઃ શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરતાની સાથે જ નેતા-કાર્યકરોમાં નારાજગી ફેલાઈ છે. તેમજ અનેક ટીકીટ ઈચ્છુક નેતાઓ કાર્યકરો સાથે ભાજપના કાર્યાલય દોડી ગયા હતા. તેમજ રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી. બીજી તરફ ભાજપ દ્વારા ડેમેજ કન્ટ્રોલની કવાયત શરૂ કરવામાં આવી છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાહેજાએ નારાજ નેતા-આગેવાનોને સમજાવવાના પ્રયાસો શરૂ કર્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા 6 મહાનગરપાલિકા માટે 575 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ ભાજપના લિસ્ટમાં 142માંથી 106 કોર્પોરેટરની ટિકિટ કપાઇ છે. જ્યારે માત્ર 36 કોર્પોરેટરને જ રિપીટ કરાયા છે. ઉમેદવારોના લિસ્ટ બાદ જ નારાજ નેતાઓ કાર્યકરો સાથે ભાજપ કાર્યાલય ગયા હતા. ભારે વિરોધ સાથે રાજીનામાની ચીમકી પણ ઉચ્ચારી હતી. વાસણામાં પણ પેરાશૂટ ઉમેદવારને લઈને વિરોધ છે. ગોતામાં પણ ભાજપ કાર્યકરોએ હાય હાયનાં નારાં લગાવ્યા હતા. સરદારનગર વોર્ડનાં કાર્યકરો પણ વિરોધ દર્શાવવા માટે ખાનપુર પહોંચી ગયા હતા.
અમદાવાદમાં નારાજગી સામે આવતા ભાજપનું હાઈકમાન્ડ એક્ટિવ થયું હતું. તેમજ ડેમેજ કન્ટ્રોલની કવાયત શરૂ કરી હતી. નારાજગીને ડામવા માટે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને ખુદ મેદાનમાં ઉતર્યા હતા. તેમજ પ્રદિપસિંહે ખાનપુર ખાતેના ભાજપ કાર્યાલયે પહોંચીને મહત્વની બેઠક યોજી હતી. આ મીટિંગમાં અસંતોષને કેવી રીતે ડામવો તેના વિશે ચર્ચા થઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશનની ચૂંટણી માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી. ભાજપ સહિતા રાજકીયપક્ષોના ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યાં હતા.