- 11 આરોપીઓને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા
- મૃતકો અને ઈજાગ્રસ્તોને વળતર ચુકવવા આદેશ કરાયો
અમદાવાદઃ શહેરમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજે અદાલતે ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો હતો. અદાલતે દોષિત ઠરેલા 49 આરોપીઓ પૈકી 38 આરોપીઓને મોતની સજાનો આદેશ કર્યો હતો. જ્યારે અન્ય 11 આરોપીઓને જીવે ત્યાં સુધી આજીવન કેદીની સજાનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત આરોપીઓને રૂ. 2.85 લાખનો દંડ ફટકાર્યો હતો. જ્યારે મૃતકો અને ઈજાગ્રસ્તોને વળતર આદવા નિર્દેશ કર્યો હતો. અદાલતે ચુકાદામાં જવલ્લે બનતો કેસ માન્યો હતો. સાત હજારથી વધુ પેજનો ચુકાદો જાહેર કર્યો હતો.
કેસની હકીકત અનુસાર અમદાવાદ શહેરમાં વર્ષ 2008માં શ્રેણિબદ્ધ બોમ્બ બ્લાસ્ટ થયાં હતા. 20 સ્થલો ઉપર થયેલા બોમ્બ બ્લાસ્ટમાં પોલીસે 70થી વધારે આરોપીઓને ઝડપી લીધા હતા. તપાસનીશ એજન્સી દ્વારા આરોપીઓ સામે ચાર્જશીટ કરાયાં બાદ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલે સાક્ષીઓ તપાસીને દસ્તાવેજી પુરાવા રજૂ કર્યાં હતા. સુનાવણીના અંતે અદાલતે 49 આરોપીઓને દોષિત ઠરાવ્યાં હતા. આરોપીઓને સજાને લઈને થયેલી સુનાવણીમાં સરકારી વકીલે મોતની સજાની માંગણી કરી હતી. જ્યારે બીજી તરફ બચાવ પક્ષના વકીલે આરોપીઓને સુધરવાનો મોકો આપવાની માંગણી કરીને ઓછી સજા કરવાની રજૂઆત કરી હતી.
સરકારી વકીલે જણાવ્યું હતું કે, અમદાવાદની વિશેષ અદાલતે સુનાવણીના અંતે આજે જાહીદ શેખ, ગ્યાસુદ્દીન અંસારી, કમરૂદ્દીન, સફરૂદ્દીન નાગોરી, અબુ બકર શેખ, ક્યામુદ્દીન કાપડિયા સહિત 38 આરોપીઓને ફાંસીની સજાનો આદેશ કર્યો હતો. જ્યારે 11 આરોપીઓને જીવે ત્યાં સુધીની આજીવન કેદની સજા ફરમાવી છે. આ ઉપરાંત તમામ આરોપીઓને દંડ ફઠકારવામાં આવ્યો છે.
અમદાવાદ સ્પેશિયલ કોર્ટે 2008 અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ માં 9 ફેબ્રુઆરીએ ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં કુલ 77 આરોપીમાંથી 49 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 28 આરોપી પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે.