અમદાવાદઃ આખું વિશ્વ જેની પાછળ ઘેલું થયું છે એ કોલ્ડપ્લેનો કોન્સર્ટ આગામી 25 અને 26મી જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતમાં યોજાવા જઈ રહ્યો છે. કોલ્ડપ્લેનો કોન્સર્ટ સંગીતનો ભવ્ય જલસો થશે. એ કોલ્ડપ્લે કોન્સર્ટના બંને શોની તમામ ટિકિટો માત્ર બે કલાકમાં જ ‘SOLD OUT’ થઈ ગઈ. અંદાજે અઢી લાખ લોકો કોલ્ડપ્લેનો કોન્સર્ટ અટેન્ડ કરશે.
મુંબઈમાં ત્રણ શો હાઉસફુલ થઈ ગયા છે. એની ટિકિટો લાખોમાં બ્લેકમાં વેચાઈ હતી. ત્યારે અમદાવાદમાં કોન્સર્ટની જાહેરાત થતાં શહેરની હોટલ્સ હાઉસફુલ થવાની સંભાવના છે. આ શો જોવા માટે બીજા રાજ્યના લોકો પણ આવશે. મોદી સ્ટેડિયમમાં 1.25 લાખ જેટલી કેપેસિટી હોવાથી શહેરમાં બે દિવસ મ્યુઝિક રસિકોનું ઘોડાપૂર ઊમટશે. ત્યારે અમદાવાદના શોની ટિકિટો પણ બ્લેકમાં વેચાય એવી શક્યતા સેવાઈ રહી છે.
કોલ્ડપ્લેના 25 જાન્યુઆરીના શોની ટિકિટો ધડાધડ વેચાઇ થતાં બુક માય શો દ્વારા કોલ્ડપ્લેના ચાહકો માટે 26 જાન્યુઆરીએ બીજો શો જાહેર કરવામાં આવ્યો હતો. બીજા શોની પણ ટિકિટો હાથોહાથ વેચાઈ ગઈ હતી. કોલ્ડપ્લેના કોન્સર્ટને લઇને અમદાવાદમાં હોટલોનાં ભાડાંમાં 13 ગણો વધારો થયો છે, જ્યારે ફ્લાઇટોનાં ભાડાંમાં પણ વધારો થવાની શક્યતા સેવાઇ રહી છે.
અમદાવાદમાં કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાવાનો છે, જેમાં દેશભરમાંથી જ નહિ, પરંતુ વિશ્વભરમાંથી લોકો આવવાના છે. ત્યારે લોકો અમદાવાદની હોટલમાં પણ રોકાશે. અમદાવાદની જાણીતી અને ફાઈવસ્ટાર હોટલમાં કોન્સર્ટના અગાઉના દિવસના હોટલના ભાવ સામાન્ય દિવસ કરતાં 13 ગણા સુધી વધ્યા છે. તો કેટલીક જાણીતી હોટલમાં અત્યારથી જ તમામ રૂમ બુક થઈ ગયા હોવાથી હોટલ પણ હાઉસફુલ થઈ ચૂકી છે. ફ્લાઇટ અને હોટલોની બુકિંગ માટે જાણીતી વેબસાઇડ અગોડામાં અત્યારે 23થી 26 જાન્યુઆરીની તારીખોમાં અમદાવાદની 80 % હોટલો બુક બતાવી રહી છે.
આગામી 25 અને 26મી જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમદાવાદની હોટલના ભાવમાં ધરખમ વધારો થયો છે. હોટલમાં જે ભાડું સામાન્ય દિવસમાં 6થી 10 હજાર સુધી હતું એ 80 હજાર સુધી પહોંચ્યું છે. હોટલનાં ભાડાંમાં 13 ગણા સુધીનો વધારો થયો છે, કેટલીક હોટલમાં તો હવે રૂમ પણ મળી શકે એમ નથી. 23 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી હોટલના તમામ રૂમ હાઉસફુલ થઇ ચૂક્યા છે, જેથી હવે બુકિંગ પણ કરાવી શકાશે નહી.
અમદાવાદ કે ગુજરાત જ નહીં, પરંતુ દેશભરમાંથી સંગીતના રસિયાઓ અને કોલ્ડપ્લે બેન્ડના ફેન અમદાવાદ ખાતે આવશે ત્યારે આધુનિક જમાનામાં સમયની બચત માટે મોટા ભાગના લોકો ફ્લાઈટ મારફત ટ્રાવેલ કરવાનું વધુ પસંદ કરે છે. ત્યારે દેશનાં મહાનગરો, જેમ કે મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, બેંગલુરુ, કોલકાતા, પુણે, જયપુર, ઇન્દોર, ગોવા જેવાં શહેરોમાંથી અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં ચાહકો આવશે, જેના કારણે વહેલી તકે ફ્લાઇટનું બુકિંગ કરાવવું હિતાવહ છે.