અમદાવાદઃ મેગાસિટી અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે ગણેશોત્સવની ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. ગણેશચતુર્થીના પાવન પર્વ ઉપર અનેક વિસ્તારમાં શ્રદ્ધાળુઓ દ્વારા દુંદાળાદેવની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આ ઉપરાંત કેટલાક શ્રદ્ધાળુઓએ પોતોના નિવાસસ્થાન તથા વ્યવસાયના સ્થળો ઉપર પણ રિદ્ધિ-સિદ્ધિના દેવતા ગજાનંદજીની સ્થાપના કરવામાં આવી હતી. દરમિયાન શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા NIMCJમાં ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
NIMCJ સંસ્થાનમાં આયોજીત ગણોશોત્સવમાં શહેરના મેયર કિરીટભાઈ પરમાર, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હિમાંશુ પંડ્યા અને ગુજરાત યુનિવર્સિટીના પ્રો વાઇસ ચાન્સેલર જગદીશ ભાવસાર, વેબ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)ના CMD વિનોદભાઈ દવે હાજરી આપી હતી. આ ઉપરાંત સંસ્થાના ટ્રસ્ટી પ્રદીપ જૈન, ડાયરેક્ટર શિરીષ કાશીકાર, સંસ્થાના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહ્યાં હતા.
સંસ્થા દ્વારા ગણેશજીની માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ઢોલનગારા અને ફૂલોના વરસાદ સાથે શ્રીજીનું આગમન “આલા રે આલા ગણપતિ આલા” ના નાદ સાથે થયુ હતું. ગણેશવંદના તથા નૃત્યગાન સાથે મુખ્ય મહેમાનો દ્વારા ગણેશજીની આરતી કરવામાં આવી હતી.
ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હિમાંશુ પંડ્યાએ આ પ્રસંગે વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યું હતું. જેમાં તેમણે ભારત દેશની સંસ્કૃતિ, તહેવારો અને સકારાત્મક વલણને ભારતીય પ્રસંગો સાથે જોડીને વિવિધતામાં એકતાને દર્શાવ્યું હતું. વિદ્યાર્થીઓને સાચી દિશા બતાવવા ઉપરાંત ખુદને સમજવું, ખોટાને સાબિત કરવું, ભાષાને પ્રભુત્વ આપવું વગેરે વિશે વાતો કરી હતી. સંસ્થામાં યોજાયેલા ગણેશોત્સવમાં કોરોના મહામારીની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સંસ્થાના બધા વિદ્યાર્થીઓ સંપૂર્ણરીતે વેક્સીનેટેડ હોવા ઉપરાંત સામાજીક અંતર પણ જાળવવામાં આવ્યું હતું.