અમદાવાદઃ CGSTએ અસ્તિત્વ ન ધરાવતી 6 કંપનીના નામે ઈનવોઈસ મામલે ભંગારના વેપારીની ધરપકડ કરી
અમદાવાદઃ સીજીએસટી અમદાવાદ સાઉથની પ્રિવેન્ટિવ વિંગ, કમિશનરેટ દ્વારા તમિલનાડુમાં સ્થિત છ અસ્તિત્વ ન ધરાવતી કંપનીઓ દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા ઇનવોઇસના આધારે માલની વાસ્તવિક પ્રાપ્તિ વિના આઇટીસીના છેતરપિંડીના લાભના સંદર્ભમાં એક પેઢી સામે તપાસ શરૂ કરી છે. આ પેઢી ભંગારના કારોબારમાં લાગેલું છે. સીજીએસટીની તપાસ દરમિયાન પેઢીના માલિક પ્રવીણ કુમારની (ઉં.વ 30) ઉલ્લેખિત સપ્લાય વિના આશરે રૂ. 38,63,40,829/-ની કિંમતના ઇન્વોઇસ પર રૂ. 6,95,40,612/ ની અયોગ્ય ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા બદલ ધરપકડ કરવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર પેઢીના માલિક પ્રવીણકુમારે આ છેતરપિંડીના માસ્ટરમાઇન્ડ તરીકે કામ કર્યું હતું અને માલની વાસ્તવિક પ્રાપ્તિ વિના જ ઇનવોઇસની પ્રાપ્તિમાં તેઓ સંડોવાયેલા હતા અને રૂ. 6,95,40,612/-ની આ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ઉપયોગ તેમની જીએસટીની જવાબદારી અદા કરવા માટે કર્યો હતો. આ ખરીદી માત્ર કાગળ પર હતી અને આ ઇન્વોઇસેસમાં ઉલ્લેખિત વાહનોની અવરજવર ઇ-વે બિલ પોર્ટલ પર જોવા મળી ન હતી.
પ્રવીણકુમારનું નિવેદન નોંધવામાં આવ્યું હતું અને તેમણે આંતરલિયાએ કબૂલાત કરી હતી કે તેમને આ કંપનીઓ પાસેથી કોઈ માલ મળ્યો નથી અને તેમને માત્ર ઇનવોઇસેસ જ મળ્યા છે અને આ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ઉપયોગ તેમના આઉટવર્ડ સપ્લાયની જીએસટી જવાબદારી અદા કરવા માટે કર્યો છે. આ કૃત્યને કારણે જીએસટીની ભારે ચોરી થઈ છે. તપાસનીશ એજન્સીએ પેઢીના માલિક પ્રવીણ કુમારની ધરપકડ કરીને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજુ કરવામાં આવ્યાં હતા. કોર્ટે તેમને તા. 1લી મે સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા.
સીજીએસટી, અમદાવાદ સાઉથ કમિશનરેટ આ પ્રકારની છેતરપિંડીઓ પર સક્રિયપણે નજર રાખી રહી છે, જેમાં અસ્તિત્વમાં ન હોય તેવી કંપનીઓ સાથે સંકળાયેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટનો કપટપૂર્ણ લાભ અને ઉપયોગ સામેલ છે, જે જીએસટીની મોટી ચોરી તરફ દોરી જાય છે.