અમદાવાદઃ શહેરના કાંકરિયા લેકફ્રન્ટમાં બાળકોના મનોરંજન માટે અટલ એક્સપ્રેસ શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2019માં કોરોના મહામારીના ઉપરાંત ટ્રેનના ટ્રેક બદલવાની કામગીરી કરવાની હોવાથી છેલ્લા ત્રણ વર્ષથી બાળકો માટેની અટલ ટ્રેન બંધ કરવામાં આવી હતી.તમામ કામગીરી પૂર્ણ થઈ જતાં અટલ એક્સપ્રેસ ટ્રેન પુઃન ચાલુ કરતા બાળકો છૂક છૂક ગાડીમાં બેસવા માટે લાઈનો લગાવી રહ્યા છે. ટ્રેનમાં બેસી અને આખા કાંકરિયાનો નજારો જોઈ બાળકો આંનદ-વિભોર બની જાય છે. કોરોના મહામારી બાદ પહેલીવાર શરૂ થયેલી અટલ ટ્રેનમાં એક જ દિવસમાં 2500થી વધુ બાળકોએ આ ટ્રેનની મજા માણી હતી.
શહેરમાં કાંકરિયા લેક પર બાળકો માટેની છૂક છૂક ટ્રેન વર્ષો પહેલા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ટ્રેનને અટલ એકપ્રેસ નામ આપવામાં આવ્યું હતું. કાંકરિયામાં બાળકો માટેની ટ્રેનના સ્ટેશનનું પણ રિનોવેશન કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ ટ્રેક બદલવાનો હોવાથી તેમજ કોરોનાને લીધે અટલ ટ્રેન બંધ કરવામાં આવી હતી. તમામ કામગીરી પૂર્ણ થયા બાદ પુનઃ અટલ ટ્રેન શરૂ કરવામાં આવતા બાળકો ફરીવાર છૂક છૂક ગાડીમાં બેસવાનો આણંદ માણી રહ્યા છે. અમદાવાદ નહીં બહારગામના લોકો પણ શહેરની મુલાકાતે આવે ત્યારે પોતાના બાળકોને ફરવા માટે કાંકરિયા લેક લઈ જતાં હોય છે. જ્યાં અટલ ટ્રેનનો પ્રવાસ કરાવતા હોય છે. કાંકરિયા લેકફ્રન્ટના ડાયરેક્ટર સાહુએ જણાવ્યું હતું કે કાંકરિયા લેકફ્ર્ન્ટ ડેવલપમેન્ટ થયું ત્યારે અટલ એક્સપ્રેસ શરૂ કરવામાં આવી હતી.વરસાદના તેમજ આખું પરિસર પાણીના પ્રેશરથી ધોવામાં આવે છે તેના કારણે ટ્રેનના પાટા કટાઈ ગયા હતા. વર્ષ 2019માં રાજ્યના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા ટ્રેનના પાટા બદલવા માટે જણાવવામાં આવ્યું હતું. જેથી તે સમયગાળા દરમિયાન જ કોરોના મહામારી આવી ગઈ હતી અને કાંકરિયા લેકફ્રન્ટ બંધ હતું. ત્યારે આ ટ્રેનના પાટા બદલવાની કામગીરી કરવામાં આવી હતી. રોડ એન્ડ બિલ્ડિંગ દ્વારા જ્યારે પાટા બદલવા માટે સૂચન કરવામાં આવ્યું ત્યારે મ્યુનિ.કોર્પોરેશને રૂ. 50 લાખના ખર્ચે નવા પાટા લાવવામાં આવ્યા હતા. પાટા બદલવાની કામગીરી માટે ટેન્ડર બહાર પાડી અને કોન્ટ્રાક્ટર દ્વારા આશરે રૂ. 3 કરોડના ખર્ચે પાટા બદલવાની કામગીરી કરવામાં આવી છે