અમદાવાદઃ ગુમ થયેલા 151 વ્યક્તિઓને શોધી CID ક્રાઈમે પરિવાર સાથે કરાવ્યું મિલન
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી વ્યક્તિઓના ગુમ થવાના બનાવોમાં વધારો થયો છે. પરિવાર સાથે કોઈ પણ બાબતે મનદુઃખ થતા લોકો ઘરે કોઈને કહ્યાં વગર ચાલ્યાં જાય છે. આ અંગે પોલીસ ફરિયાદ નોંધીને તપાસ કરે છે પરંતુ અનેક લોકોનો વર્ષો સુધી પત્તો લાગતો નથી. દરમિયાન આવી વ્યક્તિઓને શોધી કાઢવા માટે સીઆઈડી ક્રાઈમે અભિયાન શરૂ કરીને 151 વ્યક્તિઓને શોધીને પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાંથી વર્ષ 2007થી 2021 સુધી ગુમ થયેલા લોકોનો ડેટા સીઆઈડી ક્રાઈમે મેળવ્યો હતો. જેમાં 151 લોકોને શોધી કાઢ્યા છે. સૌથી વધુ 18થી 40 વર્ષના 112 લોકોને શોધવામાં સફળતા મળી છે. જ્યારે 40થી 60 વર્ષના 26 લોકોને શોધવામાં આવ્યા છે. આ ઉપરાંત 0થી 18 વર્ષની ઉંમરના 10 બાળકોને પણ સીઆઈડી ક્રાઈમે શોધી કાઢ્યા છે. સૌથી વધુ અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી ગુમ થયેલા લોકોને મળી આવ્યા છે. અસ્થિર મગજ, પ્રેમ લગ્ન, મરણ થયેલા આ પ્રકારના લોકોની સીઆઈડી ક્રાઈમે શોધખોળ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુમ થયેલી વ્યક્તિઓ મુદ્દે અગાઉ હાઈકોર્ટે પણ ટકોર કરી હતી. તેમજ ગુમ થયેલી વ્યક્તિઓને શોધી કાઢવા માટે તાકીદ કરી હતી. બીજી તરફ પોલીસ દ્વારા આવી વ્યક્તિઓને શોધી કાઢવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.