Site icon Revoi.in

અમદાવાદ શહેરમાં 14379 રહેઠાણ અને 6776 કોર્મશિયલ નવી મિલ્કતો નોંધાઈ

Social Share

અમદાવાદઃ શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. શહેરમાં મકાનોની માગ વધતા અનેક નવા બિલ્ડિંગો બની રહ્યા છે. નવા મકાનો વધતા મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે. શહેરમાં ચાલુ વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 21,155 નવી મિલકતો નોંધાઇ છે. મ્યુનિ. ટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી આકારણી હેઠળ શહેરમાં 14,379 રહેણાંક અને 6,776 કોમર્શિયલ મિલકતો નોંધાઈ છે. જેમાં સૌથી વધુ રહેણાંકની ફ્લેટ પ્રકારની મિલકતો છે.

શહેરમાં એએમસીના ટેક્સ વિભાગ દ્વારા નવી બનતી મિલકતોની આકારણી કરવામાં આવે છે. જેથી આ મિલકતોને ટેક્સમાં સમાવેશ કરી શકાય. ખાસ કરીને નવી બનતી મિલકતોની આકારણી થતી હોય છે. ચાલુ વર્ષે ટેક્સ વિભાગ દ્વારા એપ્રિલથી જૂલાઇ સુધી 21,155 નવી મિલકતની આકારણી કરાઈ છે. જેમાં પૂર્વ ઝોનમાં 3463 ફ્લેટ, ઉ.પશ્ચિમ ઝોનમાં 2589 ફ્લેટ નોંધાયા છે. જ્યારે કોમર્શિયલ દુકાનોમાં પૂર્વ ઝોનમાં 586 અને ઉ.પશ્ચિમ ઝોનમાં 463 દુકાનો છે. દક્ષિણ ઝોનમાં 496 નવી દુકાનો નોંધાઈ છે. શહેરમાં નવા બિલ્ડિંગોના ફ્લેટ્સની આકારણી કરવામાં આવે છે. જેમાં ક્ષેત્રફળ મુજબ આકારણી કરીને વિસ્તાર અને કેટેગરી પ્રમાણે પ્રોપર્ટી ટેક્સ નક્કી કરવામાં આવે છે. મિલ્કતધારકોને કોઈ વાંધો હાય તો વાંધા અરજી આપી શકે છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આકારણી કરવામાં આવેલી મિલકતોમાં કોમર્શિયલ મિલકતોમાં હોટલ અને સિનેમામાં પણ ઉ.પશ્ચિમ ઝોનમાં 11, પૂર્વ ઝોનમાં 6 અને દ. પશ્ચિમ ઝોનમાં 7 નવા નોંધાયા છે. અત્યાર સુધીમાં અત્યારે શહેરમાં રહેણાંક 19 લાખ મિલકતો અને 6.5 લાખ કોમર્શિયલ મિલકતો નોંધાયેલી છે.