Site icon Revoi.in

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના 447 દર્દીઓ છતાં 100 ઈન્જેક્શનો ફાળવાતા મુશ્કેલી

Social Share

અમદાવાદ: કોરોનાની મહામારી દરમિયાન સાઈડ ઈફેક્ટની જેમ વકરતો મ્યુકોરમાઈકોસિસ દિવસેને દિવસે વધુ વિકરાળ બનતો જાય છે. કોરોનામાં જે રીતે રેમડેસિવિયરની અછત સર્જાઈ હતી એ રીતે જ મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શનની અછતે પણ માંઝા મૂકી છે. અમદાવાદ સિવિલમાં 447 દર્દી વચ્ચે સરકારે ફકત 100 ઈન્જેક્શન જ ફાળવતા હોસ્પિટલનું તંત્ર કફોડી સ્થિતિમાં મુકાયુ હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ સિવિલમાં 447 દર્દી વચ્ચે સરકારે ફકત 100 ઈન્જેક્શન જ ફાળવતા કયા દર્દીને ઈન્જેક્શન આપવા અને કોને નહીં તે મુદ્દે તંત્ર મુંઝવણ અનુભવી રહ્યું છે. આમ ઈન્જેક્શનની અછત સર્જાતા સિવિલમાં દર્દીઓ પડાપડી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

કોવિડમાંથી સ્વસ્થ થયેલા પરંતુ ડાયાબીટિસ, બ્લડ પ્રેશર સહિતની બીમારીથી પીડાતા લોકો હવે મ્યુકોરમાઈકોસિસનો શિકાર થઈ રહ્યા છે.  સિવિલમાં મ્યુકોરમાઈકોસિસના 447 દર્દીઓ સારવાર હેઠળ છે. જરૂરિયાત સમયે દર્દીઓને ઈન્જેક્શન ન આપવામાં આવે તો મોતનો ખતરો છે.  અમદાવાદ સહિત રાજ્યભરમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. સાથે જ રોગની સારવારમાં વપરાતાં એમ્ફોટેરિસિન બી ઈન્જેક્શન બજારમાં ઉપલબ્ધ નથી. જેના કારણે દર્દીઓને ના છૂટકે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ થવું પડી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં પણ આ ઈન્જેક્શનની તંગી વર્તાઈ રહી છે. રોજ 1000 ઈન્જેક્શનથી વધુ ઈન્જેક્શનની જરૂરિયાત સામે માત્ર 100 ઈન્જેક્શન ફાળવવામાં આવી રહ્યા હોવાનું સૂત્રો કહી રહ્યા છે.