અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી બાદ ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. અમદાવાદમાં મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. જેથી રસીકરણ ઝુંબેશને વેગવંતુ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ટેસ્ટીંગ ડોમની સંખ્યા વધારીને 40 કરવામાં આવી છે. એટલું જ ટેસ્ટીંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે. દિવાળી પહેલા રોજના સરેરાશ 4000 જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવતા હતા. હાલ 7000 જેટલા ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત હોસ્પિટલોમાં પણ બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર દિવાળી બાદ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થતા મનપા તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. તેમજ પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સર્વે અને ટેસ્ટીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં કોરોનાના ટેસ્ટ માટે 35થી 40 ડોમ ઉભા કરવામાં આવ્યા છે. હાલ દરરોજ 7000 કોરોના ટેસ્ટ કરવામાં આવે છે અને દિવાળી પછી અત્યાર સુધીમાં કોરોનાના 42000 ટેસ્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ રસીકરણને વધારે તેજ બનાવવામાં આવ્યું છે. શહેરમાં અત્યાર સુધીમાં લગભગ 60 ટકા નાગરિકોનું વેક્સીનેશન પૂરૂં કરાયું છે અને આગામી મહિને 80 ટકા લોકોને વેક્સીનેશન હેઠળ લાવવામાં આવશે.
મ્યુનિ. હેલ્થ ઓફ્સિરે જણાવ્યું છે કે, જે વિસ્તારમાં કેસો આવે ત્યાં હેલ્થ ખાતાના કર્મચારીઓ જઈ આસપાસના લોકોને ધ્યાન રાખવા સૂચના આપવામાં આવે છે અને કોરોનાના લક્ષણો જોવા મળે તેવા વ્યક્તિઓના કેસ હિસ્ટ્રી તપાસવા સૂચના અપાઈ છે.
બીજી તરફ સિવિલ હોસ્પિટલની જેમ જ સોલા સિવિલ હોસ્પિટલમાં પણ આગોતરી તૈયારી પૂરી થઈ છે, સોલા સિવિલમાં કોરોના સંદર્ભે કુલ 400 બેડ તૈયાર કરાયા છે, જે પૈકી 50 આઈસીયુ વિથ વેન્ટિલેટર બેડ, 50 ઓક્સિજન બેડ તૈયાર રખાયા છે, વેન્ટિલેટર પણ કાર્યરત્ કરાયા છે, જે જરૂર પડયે ઈન્સ્ટોલ કરવામાં આવશે.