અમદાવાદઃ સાબરમતી નદીમાંથી મળ્યું કોરોનાનું સંક્રમણ
અમદાવાદઃ કોરોનાની બીજી લહેર ધીમી પડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે, તાજેતરમાં જ ગંગા નદીમાંથી કોરોનાનું સંક્રમણ મળી આવ્યા બાદ હવે અમદાવાદની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાંથી કોરોનાનું સંક્રમણ મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે. આમ, ગુજરાતની નદીઓ પણ કોરોનાથી મુક્ત નહીં હોવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ તમામ પ્રાકૃતિક જળ સ્ત્રોતમાં કોરોના જીવિત રહી શકે છે કે કેમ તે અંગે ભૂગર્ભ વૈજ્ઞાનિકો અભ્યાસ કરી રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. જો કે, હવે કોરોનાનું સંક્રમણ ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. દરમિયાન ઉત્તરભારતમાં ગંગા નદીમાંથી કોરોનાનું સંક્રમણ મળી આવતા તંત્ર ચોંકી ઉઠ્યું હતું. તેમજ કેન્દ્ર સરકારના વૈજ્ઞાનિકોએ સમગ્ર દેશની વિવિધ નદીઓના સેમ્પલ લઈને કોરોના સંક્રમણ અંગે તપાસ કરવામાં આવ્યું હતું. દરમિયાન અમદાવાદની સાબરમતી નદીમાં કોરોનાનું સંક્રમણ મળી આવ્યું હતું. દેશના કેટલાક શહેરોમાં સિવેજ લાઈનમાં કોરોના વાયરસ મળ્યો હોવાની પુષ્ટિ થઈ છે, જો કે, કુદરતી જળસ્ત્રોતમાં કોરોનાની પુષ્ટી થઈ નથી.
આઈઆઈટી ગાંધીનગરના ભૂર્ગભ વૈજ્ઞાનિક મનીષ કુમારના જણાવ્યા અનુસારકે, તેમાં કેટલા ટકા વાયરસ જીવતો તે હજી જાણી શકાયુ નથી. અમે પાણીનું ટેસ્ટીંગ કર્યું છે. અમારા ટેસ્ટીંગમાં એક લિટરમાં કેટલુ પ્રમાણ છે તે જાણી શકાયું છે. અમે લીધેલા સેમ્પલમાંથી 5 સેમ્પલ પોઝિટિવ નીકળ્યા છે. અલગ અલગ દિવસોએ આ સેમ્પલ લીધા હતા. નદી અને અમદાવાદના તળાવોમાંથી આ સેમ્પલ લેવાયા હતા.