અમદાવાદઃ ગુજરાતની મેગા સિટી અમદાવાદમાં વર્ષે ચોમાસા બાદ મચ્છરના ઉપદ્રવને ડામવા માટે મનપા દ્વારા દરેક વિસ્તારમાં ફોગીંગ કરવામાં આવે છે પરંતુ ફોગીંગ કરવા છતા મચ્છરોનો ઉપદ્રવ જેમનો તેમ રહેતો હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. દરમિયાન પાંચ વર્ષના સમયગાળામાં મચ્છરોના ઉપદ્રવને ડામવા માટે રૂ. 17 કરોડનો ધુમાડો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં ગયા વર્ષે 2021 રૂ. 4.86 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2017-28માં ફોગીંગની કામગીરી પાછળ કોઈ ખર્ચ કરવામાં આવ્યો નહોતો. ઇન્ડોર રેસિડયુઅલ સ્પ્રેની કામગીરી કરાવવા પાછળ કુલ મળીને 1.72 કરોડથી વધુ રકમનો તથા મેન પાવર રાખીને વિવિધ સંસ્થાઓ દ્વારા કામગીરી કરાવવા પાછળ કુલ 1.45 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
વર્ષ 2018-19માં ફોગીંગની કામગીરી પાછળ એક લાખ તથા એમ ઈન્ડોર રેસિડયુઅલ સ્પ્રેની કામગીરી પાછળ કુલ 2.18 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ત મેનપાવર રાખીને સંસ્થાઓ મારફત કામગીરી કરાવવા પાછળ 80 લાખથી વધુના ખર્ચ સાથે 2018-19માં કુલ 2.99 કરોડનો ખર્ચ કરાયો હતો.
વર્ષ 2021-22માં ફોગીંગની કામગીરી પાછળ 1.74 કરોડ, ઈન્ડોર રેસિડયુઅલ સ્પ્રેની કામગીરી માટે 1.57 કરોડ તથા મેન પાવર રાખીને સંસ્થાઓ મારફત કરાવવામાં આવેલી કામગીરી માટે 1.55 કરોડ એમ કુલ મળીને 4.86 કરોડથી વધુ રકમનો ખર્ચ કરાયો હતો. ચાલુ વર્ષે પણ મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચક્યું છે. જેથી મનપા તંત્ર દ્વારા ફોગીંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકરતા મનપા તંત્ર દોડતું થયું છે.