અમદાવાદઃ ‘મતદાન જાગૃતિ’ અને ‘વિશ્વ દિવ્યાંગ દિવસ’ની દિવ્યાંગ વિદ્યાર્થીઓએ કરી ઉજવણી
અમદાવાદઃ શહેરના જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના નેજા હેઠળ ‘વિશ્વ દિવ્યાંગ દિવસ’ની તેમજ ‘મતદાન જાગૃતિ અભિયાન’ની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેના અંતર્ગત દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા ‘મતદાન જાગૃતિ’ તેમજ ‘વિશ્વ દિવ્યાંગ દિવસ’ની ઉજવણી કરવામાં આવી. જેમાં બ્લાઇન્ડ પીપલ એસોસીએશન, બહેરા મૂંગા શાળા આશ્રમરોડ, પ્રકાશ કન્યા વિદ્યાલય, ઘી નેશનલ હાઈસ્કૂલ જેવી કે જેઓ દિવ્યાંગ વિદ્યાર્થી સાથે સંકળાયેલી સંસ્થાઓ દ્વારા ‘વોક ફોર વોટ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં ચુંટણી આવી રહી છે ત્યારે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ બાબતેનું નાટક ભજવવામાં આવ્યું હતું. દિવ્યાંગ વિદ્યાર્થીઓએ લોકોને મતદાન કરવા માટેની અપીલ તેમજ હાજર રહેલા લોકોને મતદાન કરવા માટેની શપથ લેવડાવવામાં આવી હતી. અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની વિધાનસભાની 93 બેઠકો ઉપર તા. 5મી ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાશે. વધારેમાં વધારે મતદાન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા વિવિધ સંસ્થાઓ સાથે એમઓયુ કરવામાં આવ્યાં છે. પ્રથમ તબક્કાનું મતદાન તા. 1લી ડિસેમ્બરના રોજ યોજાયું હતું. વિધાનસભાની 89 બેઠકો ઉપર પ્રથમ તબક્કામાં 60 ટકા જેટલુ મતદાન થયું હતું. બે તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ તા. 8મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.