અમદાવાદઃ શહેરમાં કેટલીક સ્કુલોમાં પુરતી સંખ્યામાં વિદ્યાર્થીઓ ન હોવા છતાં ભૂતિયા વિદ્યાર્થીઓના નામ રેકર્ડ પર દર્શાવીને લાભો મેળવી રહી છે. તેમજ ધોરણ 12 સાયન્સમાં ઘણાબધા વિદ્યાર્થીઓ ખાનગી કોચિંગ ક્લાસમાં આખો દિવસ શિક્ષણ મેળવતા હોય છે. પણ સ્કૂલે જતાં નથી. આવીબધી ડમી સ્કૂલો ચાલતી હોવાની વાત જિલ્લા શિક્ષણાધિકારી (DEO)ને ધ્યાને આવતા હવે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા મદદનીશ નિરીક્ષક અને નિરીક્ષકને સૂચના આપવામા આવી છે. અમદાવાદની સ્કૂલોમાં અચાનક જ સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવશે.આ દરમિયાન કોઈ સ્કૂલ ડમી હશે તો સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવશે.
શહેર જિલ્લા કલેક્ટર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત બોર્ડના ધોરણ 12 સાયન્સના પરિણામ ખૂબ ઓછું આવ્યું છે, જે માટે વિદ્યાર્થીઓ સ્કૂલની જગ્યાએ ખાનગી કોચિંગ ક્લાસમાં જતા હોવાનું એક કારણ સામે આવ્યું છે. ત્યારે સ્કૂલ શરૂ થયા અગાઉથી જ આ વર્ષે ડમી સ્કૂલ સામે પગલાં ભરવા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તાકીદ કરવામાં આવી હતી. ત્યારે સ્કૂલ શરૂ થયાના 2 મહિના બાદ જિલ્લા શિક્ષણાધિકારીને ડમી સ્કૂલ ધ્યાને આવતા હવે સ્કૂલોમાં સરપ્રાઇઝ વિઝિટ કરવા અધિકારીઓને સૂચના આપવામા આવી છે. આ સરપ્રાઇઝ વિઝિટ દરમિયાન કોઈ સ્કૂલમાં ભૂતિયા વિદ્યાર્થી હોય અથવા સ્કૂલ ડમી હોય તો કાર્યવાહી કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે.
અમદાવાદના ડીઈઓએ જણાવ્યું હતું કે, ડમી સ્કૂલો ચાલતી હોવાની બાબત ધ્યાન પર આવી છે. આ અંગે આગામી દિવસમાં ટીમ સાથે અલગ અલગ સ્કૂલમાં તપાસ કરીશું. સ્કૂલ હકીકતમાં ડમી હશે તો સ્કૂલ સામે નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. સ્કૂલ શરૂ થઈ ત્યારથી જ અમે ડમી સ્કૂલ પર ધ્યાન રાખી રહ્યા છીએ.