અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કરીને ડ્રગ્સ માફિયાઓને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન અમદાવાદ શહેર ક્રાઈમબ્રાન્ચે કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી રૂ. 3 કરોડની કિંમતનો કેટામાઈન નામનું ડ્રગ્સ ઝડપી લીધુ હતું. ગરમ મસાલાની આડમાં ડ્રગ્સ વિદેશ મોકલવામાં આવી રહ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર નવસારીથી પાર્સલમાં કેટામાઈન યુએસ મોકલવામાં આવી રહ્યું હતું. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસથી પાર્સલ કબ્જે કર્યુ હતુ. ગરમ મસાલાના પાર્સલમા કેટામાઈન મોકલાતું હતુ. ગાંધીનગર FSL ખાતે પરિક્ષણ બાદ ફરિયાદ નોંધાઈ હતી. 285 ગ્રામ કેટામાઈન કબ્જે કરી સોનુ ગોયલ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છના દરિયાકાંઠેથી ફરી વાર ચરસના 2 બિનવારસી પેકેટ મળી આવ્યા હતા. તો સુરતના કામરેજથી SOGએ 701 કિલો ગાંજાનો જથ્થો ઝડપી 80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મુંબઈ હાઈવે તરફ જતી ટ્રકમાંથી આ ગાંજો ઝડપાયો છે.