અમદાવાદ – ડુંગરપુર બ્રોડગેજ રેલવે સેવાનો પ્રારંભ, વાયા શામળાજી, હિંમતનગર થઈને ટ્રેન દોડશે
હિંમતનગરઃ અમદાવાદથી હિંમતનગર બ્રોડગેજ રેલવે ટ્રેનને ડુંગરપુર સુધી લંબાવવામાં આવતા પેસેન્જરોને રાજસ્થાન જવામાં વધુ એક સુવિધા મળશે. ડુંગરપુરથી અમદાવાદ સુધીની પ્રથમ ટ્રેન હિંમતનગર થઇને અમદાવાદ પહોંચી હતી. આ સાથે જ હવે અમદાવાદથી પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીની સફર રેલ્વે મારફતે કરવી સરળ બનશે. ઉપરાંત ડુંગરપુર અને બીંછીવાડા સહિતના રાજસ્થાનના પ્રવાસીઓ જે રોજગારી માટે અમદાવાદ અને હિંમતનગર વિસ્તારમાં સ્થાયી થયા છે. તેમને પણ મુસાફરીની સમસ્યામાં રાહત મળશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઉદયપુરથી વાયા ડુંગરપુર અને હિંમતનગર થઇને અમદાવાદ રેલ્વે લાઇન પહેલા મીટરગેજ હતી. જેને બ્રોડગેજમાં રુપાંતરીત કરવા માટે રાજસ્થાન અને ગુજરાતના સ્થાનિકો દ્વારા અનેક વાર રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ તેનો કોઇ જ ઉકેલ આવતો નહતો. પરંતુ છેલ્લા 7 વર્ષ દરમિયાન આ રેલ્વેના ગેજ રુપાંતરને ભારત સરકારે મંજૂરી આપીને કાર્યને ઝડપી બનાવ્યુ હતુ. જેના ફળસ્વરુપે હવે રાજ્સ્થાનના ડુંગરપુરથી પ્રથમવાર અમદાવાદ ટ્રેન પહોંચવા સાથે નવી શરુઆત થઇ છે
ડુંગરપુરથી પ્રથમ રેલવે ટ્રેન શામળાજી રોડ અને રાયગઢ થઈને હિંમતનગર પહોંચતા સ્થાનિક લોકોએ હર્ષભેર વધાવી હતી. સાબરકાંઠા સાંસદ સહિત અગ્રણીઓ ડુંગરપુરથી રેલવેમાં મુસાફરી કરી હિંમતનગર સુધી આવી પહોંચ્યા હતા. સાંસદે રાઠોડે રસ્તામાં મુસાફરો અને સ્ટેશન પર લોકોના અભિવાદનને ઝીલવા સાથે લોકોના અનુભવોને જાણવાનો પ્રયાસ કર્યો હતો.
સાબરકાંઠા સાંસદ દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, આ દાયકાઓ જૂનો એક પ્રશ્ન હતો, પરંતુ વડાપ્રધાને આપેલી ભેટ સમાન આ યોજના શરુ થઇ શકી છે અને હવે નવા ગેજ વડે બે રાજ્યનું જોડાણ સરળ બન્યુ છે. બંને રાજ્યોના પ્રવાસીઓને ઝડપી રેલ સેવાનો લાભ નવી લાઇન થકી મળ્યો છે. જે આગામી દિવસોમાં દિલ્હી-મુંબઇને સીધો જોડશે એવી આશા છે. હાલમાં ડુંગરપુરથી અમદાવાદ સેવા શરુ કરાઇ છે હવે તે છ માસ બાદ ત્રીજા તબક્કામાં ઉદયપુર સાથે જોડાઇ જશે. આ ટ્રેનના રુટમાં શામળાજી રોડનું સ્ટોપેજ પણ સામેલ છે. જેને લઇ હવે ટીટોઇ નજીક આવેલા શામળાજી રોડના રેલ્વે સ્ટોપેજથી ટૂંકા અંતરની વાહન મુસાફરીથી શામળાજી મંદિરે પહોંચી શકાશે.
સપ્તાહમાં 06 દિવસ આ ટ્રેન અમદાવાદથી ડુંગરપુર વચ્ચે દોડશે. જેમા સવારે અમદાવાદ થી ઉપડનારી આ ટ્રેન બપોરે ડુંગરપુર પહોંચશે. ત્યાર બાદ તે ડુંગરપુરથી પરત અમદાવાદ પહોંચશે. ગાંધીનગર જિલ્લાના દહેગામ સાબરકાંઠાના તલોદ, પ્રાંતિજ અને હિંમતનગર થઇને અરવલ્લી જિલ્લાના શામળાજી રોડ, લુસડીયા સ્ટેશન જેવા સ્થળો પર ટ્રેન રોકાશે. અમદાવાદ ડુંગરપુર વચ્ચેનો સમય ટ્રેન ચાર કલાક જેટલા સમયમાં કાપશે. (file photo)