અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્લાવર શૉ નિહાળવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી રહ્યાં છે. ફ્લાવર શૉને શહેરીજનો તરફથી મળી રહેલા બહોળા પ્રતિસાદને જોતા મ્યુનિ દ્વારા ફ્લાવર શૉને વધુ 5 દિવસ સુધી લંબાવવામાં આવ્યો છે. એટલે કે હવે તા.20મી જાન્યુઆરી સુધી લોકો ફ્લાવર શોને નિહાળી શકશે.
અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર ગત 31 ડિસેમ્બરથી શરૂ થયેલા ફ્લાવર શૉની અત્યાર સુધીમાં 5 લાખથી વધુ નાગરિકો મુલાકાત લઈ ચૂક્યાં છે. જેના લીધે એએમસી દ્વારા ફ્લાવર શૉની તારીખ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે 15 જાન્યુઆરી સુધી ચાલનારો ફ્લાવર શૉ વધુ વધુ 5 દિવસ લંબાવવામાં આવ્યો છે. જેથી હવે નાગરિકો 20 જાન્યુઆરી સુધી ફ્લાવર શૉ નિહાળી શકશે. આ વખતે ફ્લાવર શૉમાં સંસદ ભવન, સ્ટેચ્યૂ ઑફ યુનિટી, બાળકો માટેના કાર્ટૂન કેરેક્ટર્સ, પતંગિયા સહિતની પ્રતિકૃતિ ઉપરાંત 15 લાખથી વધુ નાના-મોટા ફૂલ છોડ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. આ ઉપરાંત ફ્લાવર શૉને ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પણ મળી ચૂક્યું છે.
વાઈબ્રન્ટ સમિટમાં સામેલ થવા ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીએ દિલ્હી પરત ફરતા પહેલા ફ્લાવર શૉ નિહાળ્યો હતો. PM મોદીએ લગભગ અડધો કલાક સુધી ફ્લાવર શોમાં ગાળ્યો હતો. જેની સુંદર તસવીરો તેમણે પોતાના X હેન્ડલ પર પણ શેર કરી હતી. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024ને લઈને ગુજરાત આવેલા વડાપ્રધાન ગઈકાલે 10 જાન્યુઆરીની રાતે જ દિલ્હી પરત જવા માટે રવાના થઈ ગયાં હતાં. જોકે, એરપોર્ટ જવાના નિર્ધારીત સમય વચ્ચે તેમણે ફ્લાવર શો જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને એકાએક કાર્યક્રમમાં ફેરફાર કરી વડાપ્રધાન મોદી રિવરફ્રન્ટ પર આયોજીત ફ્લાવર શો નિહાળવા પહોંચ્યા હતાં.
અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાયેલા ફ્લાવર શોને લોકો તરફથી સારોએવો પ્રત્સાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ફ્લાવર શૉની 5.73 લાખથી વધુ ટિકિટોનું વેચાણ થઈ ચૂક્યું છે, જેના થકી AMCની રૂ. 3.45 કરોડની આવક થઈ છે.