અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. કોરોનાના સંક્રમણની દહેશત હોવા છતાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર સંત સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી તથા ભાજપના પ્રદેશ પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સંત સંમેલનમાં હાજર ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ, શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ, ઉપ પ્રમુખ દર્શક ઠાકર અને પરેશ લાખાણી સહિતના 40 નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે.
ઉત્તરપ્રદેશમાં દિવ્યકાશી- ભવ્ય કાશી કાર્યક્રમ અંતર્ગત નિર્માણ થઈ રહેલા ભવ્ય કાશી વિશ્વનાથ મંદિર અને કાશી પરિસરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેના માટે 4 જાન્યુઆરીએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ કાર્ય માટે આશીર્વાદ આપવા ધર્માંચાર્ય આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં હતું. સમારોહમાં રાજ્યના 500થી વધુ સાધુ સંતો હાજર રહ્યા હતા. આ સમારોહમાં યોગીશ્રી શેરનાથ બાપુ (જૂનાગઢ),નૌતમ સ્વામી, કથાકાર ગીતાદીદી, પ.પૂ હરિહરાનંદ (ભારતી આશ્રમ, અમદાવાદ), અક્ષરવત્સલ સ્વામી, આચાર્ય અવિચલદાસ મહારાજ, પ.પૂ લલિત કિશોરજી મહારાજ (લીંબડી), પરમાત્માનંદ મહારાજ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે,આ સંત સંમેલનમાં અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. દરેક વોર્ડના કાઉન્સિલરોને તેમના વોર્ડમાંથી 50થી 100 લોકોને લાવવા માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. AMTS બસ ભરીને દરેક વોર્ડમાંથી કાર્યકર્તાઓ અને લોકોને સાબરમતી રિવરફ્રન્ટ પર કાર્યક્રમમાં લાવવામાં આવ્યા હતા. માસ્ક અને સોશિયલ ડિસ્ટનસ્ના ધજાગરા ઉડાવતાં હોય તેમ લોકો માસ્ક વગર ભીડમાં બેઠા હતા. આ સમારોહ બાદ તમામ સાધુ-સંતો માટે ભોજન-પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા સાધુ- સંતોને ભોજન પીરસવામાં આવ્યું હતું.