અમદાવાદ સાબરમતી નદીમાં ગંદુ પાણી છોડતાં મ્યુનિ.ને CETP પ્લાન્ટને બંધ કરવા GPCBની નોટિસ
અમદાવાદઃ શહેરની સાબરમતી નદીમાં ગંદા પાણી છોડવા સામે કડક પગલાં લેવાના ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ આપ્યા બાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં હેન્ડ સ્ક્રિન પ્રિન્ટિંગ એસોસિએશન અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા 30 એમએલડી CETPને બંધ કરવા અંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા નોટિસ આપવામાં આવી છે. ટ્રીટમેન્ટ પ્લાન્ટના આઉટલેટમાંથી ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું હોવાના પગલે GPCBએ તપાસ કરતા બે જગ્યાએ આઉટલેટમાંથી ક્ષારવાળુ અને ક્લોરીનેશન વગરનું ટ્રીટ કર્યા વિનાનું પાણી છોડવામાં આવતું હતું. જેના પગલે ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે.
અમદાવાદની સાબરમતી નદીમાં ગટર અને ઉદ્યોગોના ઠલવાતા ગંદા પાણી સામે અગાઉ ગુજરાત હાઈકોર્ટે કડક પગલાં લેવાના નિર્દેશ આપ્યા હતા, ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા પણ નદીમાં ગંદા પાણી ન ઠલવાય તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. ત્યારે શહેરના બહેરામપુરા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે બનાવેલા 30 MLDના CETP (ટ્રીટમેન્ટ પ્લાન્ટ) અને આસપાસના વિસ્તારમાં જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ઇનલેટ અને આઉટલેટ બંને જગ્યાએ નિયમ પ્રમાણે ગંદુ પાણી છોડવામાં આવ્યું નહોતું. ક્લોરીનેશન અને અન્ય ટ્રીટમેન્ટ સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરતી નહોતી. આ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી અનેક વખત 30 એમએલડી કરતાં પણ વધુ ગંદુ પાણી નદીમાં છોડવામાં આવતું હતું. આ તમામ બાબતો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ધ્યાને આવતા તેને બંધ કરવા અંગેની નોટિસ આપવામાં આવી છે.
ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ હેન્ડ્સ સ્ક્રીન પ્રિન્ટિંગ એસોસિએશન અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા 30 એમએલડીના આ ટ્રીટમેન્ટ પ્લાન્ટને ક્લોઝર નોટિસ ફટકારી છે, જેમાં 30 દિવસમાં પ્લાન્ટને યોગ્ય રીતે કાર્યરત કરી નિયમો પ્રમાણે જ ગંદુ પાણી સાબરમતીમાં છોડવા અંગે જણાવવામાં આવ્યું છે. ત્યાર બાદ બહેરામપુરામાં બનેલા આ CETP પ્લાન્ટને બંધ કરી દેવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પૂર્વ વિસ્તારમાં બહેરામપુરા અને દાણીલીમડા વિસ્તારની આસપાસ આવેલી હેન્ડ સ્ક્રીન પ્રિન્ટિંગની અનેક ફેક્ટરીઓ સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણીના કારણે બંધ કરવામાં આવી હતી. એએમસી અને અમદાવાદ હેન્ડ્સ સ્ક્રીન પ્રિન્ટિંગ એસોસિએશને સંયુક્ત રીતે કરોડો રૂપિયાના ખર્ચે 30 એમએલડીનો CETP પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો. જેનું છ મહિના પહેલા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે હવે આ પ્લાન્ટમાંથી હેન્ડ્સ સ્ક્રીન પ્રિન્ટિંગ એસોસિએશનના કારખાનાઓ દ્વારા વધારે પડતા ગંદા કલર વાળા પાણી છોડવામાં આવવાના કારણે ટ્રીટમેન્ટ પ્લાન્ટની મશીનરી ખરાબ થઈ રહી છે.