Site icon Revoi.in

અમદાવાદઃ તપોવન સર્કલ પાસે ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર બનશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં પાસપોર્ટ સેવા કેન્દ્રની બહાર મોટી મોટી લાઈનો જોવા મળે છે. વિદેશ વિભાગ દ્વારા અમદાવાદમાં તપોવન સર્કલ સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા અગોરા મોલમાં ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર બની રહ્યું છે, જેમાં રોજની 1500 અરજીની ક્ષમતા રહેશે.

ગુજરાત રાજ્યના ગૃહ વિભાગની મંજૂરી મળી ગયા બાદ નવા બની રહેલા પાસપોર્ટ સેવા કેન્દ્રનું ફર્નિચરનું કામકાજ પુરજોશમાં શરૂ કરી દેવાયું છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના લોકસભા ક્ષેત્રમાં આવતું હોવાથી નવા પાસપોર્ટ સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન તેઓ જ કરશે, આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ ઉપસ્થિત રહેશે, આમ બંને મંત્રી ગુજરાતના હોવાથી આગામી છ થી આઠ મહિનામાં નવું પાસપોર્ટ સેવા કેન્દ્ર અરજદારો માટે ખુલ્લુ મુકી દેવાશે.

અમદાવાદના રિઝયોનલ પાસપોર્ટ ઓફિસર અભિજીત શુક્લાએ જણાવ્યું કે ‘ગુજરાતના અનેક જિલ્લાઓ કે અંતરિયાળ ગામોમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર કાર્યરત નથી ત્યાં અરજદારોની પાસપોર્ટની અરજી સબમીટ કરવા 23 પોસ્ટ પાસપોર્ટ સેવા કેન્દ્ર કાર્યરત છે, જેમાં ડોક્યુમેન્ટનું વેરિફિકેશન થતું નથી. એક પાસપોર્ટ સેવા કેન્દ્રમાં પ્રતિદિન 30 અરજીઓ સબમીટ થાય છે તે વધારી પીસીસી સહિત 50 કરી દેવામાં આવી છે. જ્યાં અરજદારો માટે એક જ કાઉન્ટરની વ્યવસ્થા છે. ત્યાં વધારાના કાઉન્ટર ઉપલબ્ધ કરાશે. હાલમાં ભુજ, પાટણ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણામાં આવેલા પાંચ પીઓએસકેમાં વધારાના કાઉન્ટ શરૂ કરી દેવાયા છે. આગામી સમયમાં ભુજ ખાતે મીની પીએસકે બનાવવાનું પણ આયોજન છે,

ગાંધીનગર, હિંમતનગર, મહેસાણા, પાટણના લોકોને શહેરના સેવા કેન્દ્ર સુધી લાંબા નહીં થવું પડે, તેમજ અમદાવાદનાં 2 કેન્દ્ર વચ્ચે 3 કિ.મીનું અંતર હોવાથી મીઠાખળી સેન્ટર બંધ કરાશે.