અમદાવાદઃ શહેરમાં પણ હવાના પ્રદુષણમાં વધારો થઈ રહ્યો છે. જેમાં દિલ્હી કરતા પણ ચારગણું પ્રદુષણ વધી ગયું છે, શહેરમાં વાહનોની સંખ્યા વધતી જાય છે. તદઉપરાંત શહેરની આજુબાજુ આવેલા ઉદ્યોગોને કારણે પણ પ્રદુષણ વધી રહ્યું છે. ‘સફર’ એપ મુજબ રવિવારે દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 60 હતો. જ્યારે અમદાવાદનો આ ઈન્ડેક્સ લગભગ ચાર ગણો વધુ એટલે કે 249 હતો. વાયુ પ્રદૂષણની દૃષ્ટિએ નવરંગપુરા સૌથી વધુ પ્રદૂષિત હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં વાયુ પ્રદૂષણ વધવા પાછળના કારણોમાં પીરાણાના સળગતા ડુંગરમાંથી 24 કલાક નીકળતો ધુમાડો છે. આ ઉપરાંત લગભગ 12 વર્ષથી ચાલતા મેટ્રોના કામ અને સંખ્યાબંધ કન્સ્ટ્રક્શન સાઈટને લીધે સૂક્ષ્મ પાર્ટિકલ્સ વાતાવરણમાં ભળી ગયા છે. પર્યાવરણ શાસ્ત્રીના કહેવા મુજબ વાયુ પ્રદૂષણના કારણે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ બે ડિગ્રી જેટલું વધી જાય છે. અમદાવાદની આશરે 70 લાખ વસ્તી છે જેની સામે પબ્લિક ટ્રાન્સપોર્ટની આશરે 1300 જેટલી બસો દોડે છે. એએમટીએસ અને બીઆરટીએસની બસોની ઓછી સંખ્યાના કારણે લોકોને પોતાના ખાનગી વાહનો વાપરવા પડે છે અને તે કારણે શહેરમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરના કારણે વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે. ચાર રસ્તે ટ્રાફિક સિગ્નલ ખુલે ત્યાં સુધી લોકો એક-દોઢ મિનિટ સુધી વ્હીકલ ચાલુ રાખતા હોવાથી પણ ફરક પડે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ શહેરમાં સાંજના સમયે સૌથી વધુ પ્રદુષણ હોય છે. શહેરમાં વાહનોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. શહેરમાં કન્ટ્રક્શનની સાઈટ્સ ઠેર ઠેર ચાલી રહી છે. વિકાસ કામોને લીધે શહેરમાં વૃક્ષછેદન પણ મોટા પ્રમાણમાં થયું છે. ઉપરાંત છેલ્લા બે-ત્રણ વર્ષમાં જ શહેરની વસતીમાં પણ ઘણો વધારો થયો છે. આ બધા કારણો પ્રદુષણ માટે જવાબદાર છે. (file photo)