Site icon Revoi.in

અમદાવાદમાં પાણીની ભૂગર્ભ અને ઓવરહેડ ટાકીઓમાં મચ્છરોના સૌથી વધુ બ્રિડિંગ મળ્યાં

Social Share

અમદાવાદઃ  શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાંયા વાતાવરણને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. તેથી પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. રોગાચાળો કાબુમાં લેવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવેરનેસ કાર્યક્રમો પણ કરાયા છે. તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે વિદ્યાર્થીઓમાં મચ્છરજન્ય રોગોની ઉત્પત્તિને અટકાવવાની અવેરનેસ આવે તેના માટે માર્ગદર્શિકા જાહેર કરીને ફિડબેક લેવાયા હતા. સ્કૂલો તરફથી આવેલા ફિડબેકમાં સૌથી વધુ મચ્છરોના બ્રિડિંગ પાણીની અંડરગ્રાઉન્ડ અને ઑવરહેડ ટાંકીમાંથી મળી આવ્યા હતા. જેથી ઘરમાં પાણીની ટાંકી હોય તો તેને અઠવાડિયામાં એકવાર ખાલી કરી સાફ કરવી જરૂરી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ઇન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે જે બાળકો ઓનલાઇન અથવા ઓફલાઈન અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓને  મચ્છરજન્ય રોગો કેવી રીતે ફેલાય છે અને મચ્છરોનું બ્રિડિંગ ક્યાં થાય છે તેની જાગૃતિ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જરૂરી પેમ્પ્લેટ અને લિંકસ મોકલી આપવામાં આવી હતી. જેમાં ઘરની આજુબાજુ વસ્તુઓ પડી છે જેમાં પાણી ભરાઈ રહે છે. તેમાં મચ્છરોના બ્રિડિંગ મળી આવે છે કે કેમ તે ચેક કરવા અંગેની માર્ગદર્શિકા મોકલવામાં આવી હતી. જેમાં ચેક કરી તેઓએ ફિડબેક આપવાનો હતો. છેલ્લાં એક મહિનામાં જે લોકોએ પોતાના ઘરમાં સર્વે કર્યો હતો એવા 2688 જગ્યાએથી ફિડબેક આવ્યો છે. જેમાં અંડરગ્રાઉન્ડ ટાંકી, છત પર, ટાયરો અને કુલરમાંથી મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા છે. જ્યારે 1953 જેટલા પાત્રોમાંથી કોઈ બ્રિડિંગ મળી આવ્યા નથી. આ ઉપરાંત તેઓને ફીવર અથવા મચ્છર કરડે તો તેના માટે હેલ્પલાઇન નંબર 15503ની પણ જાણકારી આપવામાં આવી હતી.

અમદાવાદ શહેરને મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ભરડામાં લઈ રહ્યો છે. ગત વર્ષે પહેલી જાન્યુઆરીથી સપ્ટેમ્બર-2020 સુધીમાં નોંધાયેલા ડેન્ગ્યુ અને ચીકનગુનીયાના કેસની તુલનામાં આ સમય દરમિયાન આ વર્ષે ધરખમ વધારો થવા પામ્યો છે. જાન્યુઆરી-2020થી સપ્ટેમ્બર-2020 સુધીમાં અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુના 255 કેસ, મેલેરીયાના 436 કેસ નોંધાયા હતા. ઉપરાંત ઝેરી મેલેરીયાના 35 અને ચીકનગુનીયાના 196 કેસ નોંધાયા હતા.જેની તુલનામાં આ જ સમયગાળામાં આ વર્ષે ડેન્ગ્યુના 875 કેસ, મેલેરીયાના 549 કેસ નોંધાયા છે. ઉપરાંત ઝેરી મેલેરીયાના 50 કેસ અને ચીકનગુનીયાના 500 જેટલા કેસ નોંધાઈ ગયા છે. આ વર્ષે અત્યાર સુધીમાં ઝાડા-ઉલ્ટીના 2412 કેસ, કમળાના 866 કેસ, ટાઈફોઈડના 1368 કેસ અને કોલેરાના 64 કેસ નોંધાયા છે.આ સત્તાવાર જાહેર કરવામાં આવેલા આંકડા છે.આ સિવાય ખાનગી હોસ્પિટલો અને દવાખાનામાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા અનેકગણી હોવાનું જાણવા મળે છે.  મ્યુનિ.તંત્રે એવો દાવો કર્યો છે કે,શહેરમાં 37 જેટલા તળાવોમાં સફાઈ કરવામાં આવી છે.ડેન્ગ્યુના કેસ વધતા મ્યુનિ.તંત્રે  1812  સીરમ સેમ્પલની તપાસ કરી છે.ગત વર્ષે સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુ માટે  2156  સીરમ સેમ્પલ લેવામાં આવ્યા હતા.