અમદાવાદઃ શહેરમાં બિસ્માર માર્ગો મુદ્દે થયેલી અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે એએમસીના સત્તાધીશોની ઝાટકમી કાઢી હતી. હાઈકોર્ટે ટોકર કરી હતી કે, કોઈ પણ બહાના નહિ ચાલે, રસ્તા બનાવો, સુવિધા આપો. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન મનપાના અધિકારીઓને કેટલાક અણિયારા સવાલ પણ કર્યાં હતા. હાઈકોર્ટમાં સુનાવણીમાં મનપાના ઉચ્ચ અધિકારીઓ અને ટ્રાફિકના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
કેસની હકીકત અનુસાર બિસ્માર રસ્તા અને ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. જેની સુનાવણીમાં એએમસીએ જવાબ રજૂ કર્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસીએ કહ્યું હતું કે, ટ્રાફિક ન થાય એ માટે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલુ છે. ટ્રાફિક ન થાય તે માટે ભીમજીપુરાથી ચાંદલોડિયાનો ઓવરબ્રીજ બનશે. બજેટ સાચવીને રસ્તા બનાવી રહ્યા છીએ. દરમિયાન હાઈકોર્ટે ટકોર કરી હતી કે, રસ્તા બનાવો, સુવિધા આપો. બજેટના બહાના નહીં ચાલે.
અમદાવાદ શહેરમાં બિસ્માર રોડ અને રખડતા ઢોર મુદ્દે કોર્ટના આદેશના તિરસ્કાર બદલ હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. શહેરમાં રોડની સ્થિતિ પર કોર્ટે મનપાની ઝાટકણી કાઢી હતી. કયા રોડની જવાબદારી કોની હોય છે તે પણ જણાવવા હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો. અમદાવાદ મનપાના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના અધિકારી અને ટ્રાફિક પોલીસ સુનાવણીમાં હાજર રહ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે, કાગળ ઉપર નહીં રસ્તા ઉપર કામ બતાવો. તૂટેલા રોડથી જનતા પીડાય છે. રખડતા પશુઓ હજુ પણ રસ્તા પર જોવા મળે છે. જ્યારે તમારી કામગીરી માત્ર સોગંદનામામાં જ નજરે પડે છે.