Site icon Revoi.in

અમદાવાદઃ શહેરના વિવિધ વિસ્તારમાં AMCના ઉચ્ચ અધિકારીઓ દરરોજ સવારે બે કલાક રાઉન્ડ લેશે

Social Share

અમદાવાદઃ શહેરમાં બિસ્માર માર્ગ અને પાણી-ગટરની સમસ્યાઓને લઈને મનપાના કમિશનર એમ. થેન્નારેશે ઈજનેર ખાતાના અધિકારીઓને દરરોજ સવારે બે કલાક પોતાના વોર્ડ/ઝોનમાં રાઉન્ડ લેવા માટે નિર્દેશ કર્યો છે. મનપાના ઇજનેર ખાતાના તમામ અધિકારીઓને સવારે 7થી 9 વાગ્યા સુધી રાઉન્ડ લેવા માટે મ્યુનિસિપલ કમિશનરે આદેશ કર્યો છે. તેમજ કોઈ પણ પ્રકારની ફરિયાદની મનપામાં ફરિયાદ લઈને કામગીરી કરવા તાકીદ કરી છે. એટલું જ નહીં ફરિયાદની નિકાલનો રિપોર્ટ પણ મનપાના કમિશનરને મોકલવાનો રહેશે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કેટલાક વિસ્તારમાં પાણી અને ગટરની સમસ્યાની અવાર-નવાર ફરિયાદો ઉઠે છે. આ ઉપરાંત બિસ્માર માર્ગોની વાહન ચાલકો ફરિયાદો કરે છે. શહેરીજનોની સમસ્યાઓનું તાત્કાલિક નિકારણ આવે તે માટે મનપાના કમિશનરે આ નિર્દેશ કરાયો છે. એડિશનલ સીટી એન્જિનિયર, ડેપ્યુટી સીટી એન્જિનિયર, આસિસ્ટન્ટ સીટી એન્જિનિયર, આસિસ્ટન્ટ એન્જિનિયર અને ટેકનિકલ સુપરવાઇઝર સહિતના અધિકારીઓએ હવે સવારે બે કલાક રોડ પર ફરવાનું રહેશે. ઝોન અને વોર્ડમાં રાઉન્ડ લઈ અને ગટર ઉભરાવાની સમસ્યા હોય કે પાણી લીકેજની સમસ્યા હોય, પોલી ફૂટપાથ જોવા મળે કે ક્યાંય પણ રોડ પર પેચ વર્ક કરવાની જરૂર પડે તો તાત્કાલિક આ મામલે જાતે જ ફરિયાદ નોંધવાની રહેશે. તેનો ત્વરિત નિકાલ થાય તે રીતે કામગીરી કરવાની રહેશે. આ ઉપરાંત ઝોનમાં કોઈપણ ચાલતા કામની પણ ચકાસણી કરવાની રહેશે અને આ તમામ રિપોર્ટ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સોંપવાનો રહેશે. આમ શહેરીજનોની સમસ્યાઓનો ઝડપથી નિકાલ થશે. તેમજ શહેરીજનોને મનપાની તમામ સુવિધાઓનો યોગ્ય લાભ મળશે.