અમદાવાદઃ શહેરના સોલા રોડ,વસ્ત્રાપુર સહિતના 7 સોસાયટીઓના મકાનો ભયજનક હોવાથી તેને રિપેર કરાવવાની તાકીદ હાઉસિંગ બોર્ડે કરી છે. આમ છતાં કોઇ મકાન પડી જાય તો તેની જવાબદારી લાભાર્થીની રહેશે તેવી સ્પષ્ટતા પણ હાઉસિંગ બોર્ડે કરી છે. શહેરમાં 9 જેટલી હાઉસિંગ બોર્ડની સોસાયટી રિડેવપલમેન્ટમાં જાય છે,પણ હજુ ફાઇનલ કરાર થયા ન હોવાથી આ સોસાયટીનો રહીશોને મકાન ખાલી કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
રાજ્યભરમાં હાઉસિંગ બોર્ડે મકાન બાંધીને લાભાર્થીને આપ્યા છે. મકાન લાભાર્થીને સોંપાય તે પછી હાઉસિંગ બોર્ડની કલમમાં જ જોગવાઇ છે કે, મકાન રિપેરિંગની જવાબદારી લાભાર્થીની છે. આમ છતાં આ મકાન હજુ સુધી રિપેર થયા નથી. આથી અમદાવાદની 7 સોસાયટીના મકાન ભયજનક હોવાથી ચોમાસા દરમિયાન કોઇ નુકસાન થાય તો તેની જવાબદારી હાઉસિંગ બોર્ડની રહેશે નહીં તેવી તાકીદ કરાય છે. હાઉસિંગ બોર્ડે રાજય સરકારની રિડેવપલમેન્ટ પોલિસી હેઠળ મકાન પુન:તૈયાર કરાવવાની અપીલ પણ લાભાર્થીઓને કરી છે,પણ 9 સોસાયટીઓમાં હજુ વિવાદ હોવાથી આ સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં જઇ શકતી નથી.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ શાસ્ત્રીનગરના નિધિ એપાર્ટમેન્ટમાં ધડાકા સાથે ધાબાનો સ્લેબ તૂટી પડ્યો હતો. જો કે કોઈ જાનહાનિ થઈ ન હતી. અગાઉ અહીં મકાન ભયજનક હોવાની નોટિસ મ્યુનિ.એ લગાવી હતી. સાત સોસાયટીના મકાનો જે ભયજનક હોવાની નોટિસો આપી છે જેમાં સોલા રોડ 180 એચ.આઇ.જી.સુરમ્ય એપોર્ટમેન્ટ,ખોખરાની 456 એલ.આઇ.જી. એકતા એપાર્ટમેન્ટ, સોલા રોડ 195 એમ.આઇ.જી. અમર એપોર્ટમેન્ટ, સોલા રોડ 240 એલ.આઇ.જી. ગણેશ એપોર્ટમેન્ટ, વાડજની 912 એલ.આઇ.જી. હરિઓમ એપોર્ટમેન્ટ, સોલા રોડ 288 એલ.આઇ.જી. શિવાલય એપાર્ટમેન્ટ, સોલા રોડ 240 એલ.આઇ.જી. શ્રીનગર એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે. આ તમામ બ્લોકને હાઉસિંગ બોર્ડે જર્જરિત જાહેર કર્યા છે અને તેને સત્વરે ખાલી કરાવવા માટે તાકીદ કરવામાં આવી છે.
હાઉસિંગ બોર્ડની યાદી પ્રમાણે સોલા રોડ સુરમ્ય એપાર્ટમેન્ટ, સોલા રોડ અમર સોસાયટી, નિર્મલ એપાર્ટમેન્ટ, વસ્ત્રાપુર આનંદ વિહાર, ખોખરા એકતા એપાર્ટમેન્ટ, વાડજ વિશ્રામ પાર્ક એપાર્ટમેન્ટ,વાડજ ઉત્સવ એપાર્ટમેન્ટ, નારણપુરાની 84 એચ.આઇ.જી. નિધિ એપાર્ટમેન્ટ, સોલા રોડ સત્યમ એપાર્ટમેન્ટ એમ 9 સોસાયટીઓ રિડેવલપમેન્ટ માટે તૈયાર છે, પણ હજુ ડેવલપર સાથે કરાર થયા નથી.