- જાહેરનામાનો ભંગ કરવા બદલ 300ની અટકાયત
- રાત્રિ કરફ્યુનો પોલીસ દ્વારા ચુસ્ત અમલ
- શહેર વિવિધ વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકીંગ
અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા તંત્ર હરકતમાં આવ્યું છે અને અમદાવાદ સહિત આઠ શહેરોમાં રાત્રિ કરફ્યુનો સમય વધારવામાં આવ્યો છે. બીજી તરફ અમદાવાદ પોલીસ પણ એકશનમાં આવી છે. તેમજ નાઈટ કરફ્યુનો કડક અમલ કરી રહી છે. દરમિયાન એક જ દિવસમાં જાહેરનામાના ભંગ બદલ પોલીસે 250 કેસ કરીને 300 લોકોની ધરપકડ કરી હતી. દરમિયાન માસ્કવગર ફરતાં 550 લોકોને પકડીને પોલીસે રૂપિયા 5.50 લાખ દંડ વસૂલ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીને પગલે એકશનમાં આવેલા પોલીસ વિભાગ દ્વારા ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન 24 કલાકમાં 68 વાહનો ડિટેઈન કરીને 9.96 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. જ્યારે ડ્રન્ક એન્ડ ડ્રાઈવમાં 27 લોકો પકડાયા હતા. રાત્રિ કરફ્યુના નિયમનો ભંગ કરનારા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોરોના જતો રહ્યો હોય તેમ માસ્ક વિના ફરતા લોકોને પણ પકડીને દંડ વસુલવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસે 24 કલાકમાં 550 લોકોને પકડીને તેમની પાસેથી 5.50નો દંડ વસુલવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાંજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી સરકાર દ્વારા કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. જો હજુ પણ કેસમાં વધારો થશે તો આકરા નિયંત્રણો લાદવામાં આવે તેવી શકયતા છે. અમદાવાદ સહિત આઠ શહેરોમાં હાલ રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કોરોનાની સંભવિત ત્રીજી લહેરની શકયતાને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે.