Site icon Revoi.in

અમદાવાદઃ રિયલ એસ્ટેટ ડેવલપર ગ્રુપ ઉપર ITના દરોડામાં રૂ. 500 કરોડના બેનામી વ્યવહાર મળ્યાં

Social Share

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકડાયેલા ગ્રુપ અને તેમની સાથે સંકળાયેલા બ્રોકરો ઉપર આવકવેરા વિભાગે પાડેલા દરોડા દરમિયાન રૂ. 500 કરોડથી વધુની બિનહિસાબી વ્યવહારો મળી આવ્યાં છે. એટલું જ નહીં દરોડા દરમિયાન રૂ. એક કરોડની રોકડ અને 98 લાખના દાગીના જપ્ત કરવામાં આવ્યાં હતા. આવકવેરા વિભાગના દરોડામાં કરોડોની કરચોરી મળી આવવાની શકયતા છે.

આવકવેરા વિભાગે એક રિયલ એસ્ટેટ ડેવલપર ગ્રૂપ અને આ ગ્રૂપ સાથે જોડાયેલા બ્રોકરોની ઓફિસ અને નિવાસસ્થાને સર્ચ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં કૂલ 22 રહેણાંક અને ધંધાર્થી પરિસરોને આવરી લેવાયા હતા. રિયલ એસ્ટેટ ડેવલપર ગ્રૂપના કિસ્સામાં, મોટી સંખ્યામાં દોષિત દસ્તાવેજો, છૂટાં કાગળિયાં, ડિજિટલ પુરાવા વગેરે મળી આવ્યા હતા અને જપ્ત કરવામાં આવ્યા હતા. આ પુરાવાઓ બહુવિધ નાણાકીય વર્ષોમાં ફેલાયેલા ગ્રૂપના બિનહિસાબી વ્યવહારોનો વિગતે રેકોર્ડ ધરાવે છે.

જમીનમાં રૂ. 200 કરોડથી વધુનું બિનહિસાબી રોકાણ જમીનના વેચાણમાંથી રૂ. 100 કરોડથી વધુની બિનહિસાબી રોકડ પ્રાપ્તિ દર્શાવતા દસ્તાવેજો અત્યાર સુધીમાં મળી આવ્યા છે અને જપ્ત કરવામાં આવ્યા છે. દેખીતી રીતે જ બેનામી વ્યક્તિઓનાં નામે રખાયેલી એવી વર્ષોથી ખરીદાયેલી મિલકતોના અસલ દસ્તાવેજો પણ મોટી સંખ્યામાં મળી આવ્યા હતા. બ્રોકરો મારફતે જમીનની ખરીદી અને વેચાણના વ્યવહારો સંબંધિત રોકડ અને ચૅક દ્વારા ચૂકવણીની વિગતો દર્શાવતા દસ્તાવેજો મળી આવ્યા હતા. આ જમીન સોદાઓમાં રૂ. 230 કરોડથી વધુના રોકડ વ્યવહારો દર્શાવતા દસ્તાવેજો અત્યાર સુધીમાં મળી આવ્યા છે અને જપ્ત કરવામાં આવ્યા છે.

દસ્તાવેજોમાં રિયલ એસ્ટેટ ગ્રૂપના હાથમાં રૂ. 200 કરોડથી વધુની બિનહિસાબી આવક છતી થઈ છે અને દલાલોના કબજામાંથી મળેલા દસ્તાવેજોમાં નોંધાયેલા પક્ષકારોના હાથમાં પણ રૂ. 200 કરોડથી વધુની બિનહિસાબી આવક છતી થઈ છે. એકંદરે આ સર્ચ અને જપ્તીની કાર્યવાહી ₹ 500 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારો શોધી કાઢવામાં પરિણમી હતી. સર્ચ અને જપ્તીની કાર્યવાહી દરમ્યાન 24 લૉકર્સ પણ મળી આવ્યા છે જેને નિયંત્રણ હેઠળ મૂકી દેવાયા છે. આશરે રૂ. 1 કરોડની રોકડ અને રૂ. 98 લાખની કિમતના દાગીના અત્યાર સુધીમાં જપ્ત કરાયા છે.