અમદાવાદઃ ગુજરાતના મેગાસિટી અમદાવાદ શહેરમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેથી એએમસી હરકતમાં આવ્યું છે. તેમજ શહેરના જાહેર સ્થળો ઉપર ટેસ્ટીંગ ડોમ ઉભા કરીને ટેસ્ટીંગ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. હાલ શહેરમાં બે હજાર જેટલા એક્ટીવ કેસ હોવાનું જાણવા મળે છે. જે પૈકી 3 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થતા મનપાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. રેલવે સ્ટેશન, એસટી સ્ટેન્ડ અને એરપોર્ટ સહિતના જાહેર સ્થળો ઉપર ટેસ્ટીંગ ડોમ ઉભા કરવામાં આવશે. એટલું જ નહીં કોરોનાના ટેસ્ટીંગમાં પણ વધારો કરવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં કોરોના રસીકરણ અભિયાનને વધારે તેજ બનાવવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સરેરાશ 50 જેટલા કેસ સામે આવી રહ્યાં છે.
(Photo-File)