અમદાવાદઃ ગુજરાતમાં પોલીસે નશાના કાળાકારોબારને ડામવા માટે અભિયાન શરૂ કર્યું છે. બીજી તરફ અમદાવાદ શહેરના છેવાડે સિંધુભવન રોડ અસમાજીત તત્વો અને ઘનાઢ્ય પરિવારના કુછંદે ચડેલા નબીરાઓનો અડ્ડો બન્યા હોવાની ફરિયાદો ઉઠી છે. દરમિયાન પોલીસે સિંધુભવન રોડ ઉપર વિવિધ કાફે સહિતના સ્થળો ઉપર તપાસ કરી હતી. જેથી અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
રાજ્યમાં 15મી ઓગસ્ટની ઉજવણીને લઈને તૈયારીઓ તેજ બનાવવામાં આવી છે. બીજી તરફ નશાના કારોબાર અને અસામાજીક તત્વો સામે પોલીસે કવાયત શરૂ કરી છે. દરમિયાન મોડી રાતના શહેરના છેવાડે સિંઘુભવન રોડ વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ સહિતની સુરક્ષા એજન્સીઓએ સિંધુભવન રોડ વિસ્તારમાં આવેલા વિવિધ કાફે અને પાનપાર્લર ઉપર તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. ડ્રગ્સ અને નશીલા દ્રવ્યો મામલે ક્રાઈમબ્રાન્ચ, એસઓજી અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસે અહીં આવેલા યુવાનોના વાહનોની ચેકીંગ કરવાની સાથે તેમણે કોઈ કેફી પદાર્થનો નશો કર્યો છે કે કેમ તેની તપાસ કરી હતી.
દરમિયાન અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજ ઉપર સર્જાયેલા તથ્ય પટેલે સર્જેલા કાંડથી પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને ઓવરસ્પિડ વાહન હંકારનાર ચાલકો સામે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. શહેરના વિવિધ વિસ્તારમાં આડેધડ પાર્ક કરતા વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત શહેરમાં ગેરકાયદે દબાણ મામલે પણ વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.