Site icon Revoi.in

અમદાવાદઃ હિટ એન્ડ રન કેસમાં પોલીસે પીછો કરનારા હોમગાર્ડ જવાનને બનાવ્યો સાક્ષી

Social Share

અમદાવાદઃ શહેરના શિવરંજની ક્રોસ રોડ નજીક  હિટ એન્ડ રન કેસમાં વેન્ટો કારમાં બેસીને અન્ય કારનો પીછો કરનારા  હોમગાર્ડ જવાનને સાક્ષી બનાવવામાં આવ્યો છે.આઈ ટ્વેન્ટી કાર ચલાવતા પર્વ શાહે શ્રમજીવી પરિવારને ફંગોળ્યો હતો અને એમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 1 જુલાઈએ પોલીસે વેન્ટો કારના ચાલકને શોધી કાઢ્યો હતો. ચાલકે જ હોમગાર્ડ જવાન અંગેની માહિતી પોલીસને આપી હતી અને તેને  આઈ ટ્વેન્ટી કારનો પીછો કરવા હોમગાર્ડ જવાને કહ્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસ ચોપડે હોમગાર્ડ જવાન પરબત ભીમજી દેથલિયા (ઠાકોર) વિરુદ્ધ હાલ કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી.

શહેરના શિવરંજની ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનના બહુચર્ચિત કેસમાં પોલીસ દ્વારા અકસ્માત સર્જનારી આઈ ટ્વેન્ટી કારનો પીછો કરનાર હોમગાર્ડ જવાનને સાક્ષી બનાવવામાં આવ્યો છે. વેન્ટો કારમાં બેસીને આઈ ટ્વેન્ટી  કારનો પીછો કરવાના મામલે હજુ હોમગાર્ડ પરબત ભીમજી દેથલિયા (ઠાકોર) સામે કોઈ ફરિયાદ થઈ નથી. હોમગાર્ડ પરબત સામે ખાતાકીય તપાસ અંગે હોમગાર્ડ કમાન્ડરને પત્ર લખવામાં આવ્યો છે. જવાનને પોલીસ તપાસ અને પૂછપરછ બાદ એક્સિડન્ટ કેસમાં સાક્ષી તરીકે લેવાયો છે. હિટ એન્ડ રન કેસમાં આરોપી પર્વ શાહે વેન્ટો કારમાં પોલીસ પીછો કરતી હોવાથી સ્પીડમાં કાર ચલાવી હોવાની વાત પોલીસને જણાવી હતી, જેને લઇ એન ડિવિઝન ટ્રાફિક-પોલીસે વેન્ટો ગાડી અંગે તપાસ શરૂ કરી હતી. વેન્ટો કારચાલક ધીર પટેલની પૂછપરછ કરતાં ગુરુદ્વારા પાસેથી હોમગાર્ડ જવાને કારમાં બેસી ગાડી પીછો કરવાનું કહ્યું હોવાનું જણાવ્યું હતું. એ મામલે 2 જુલાઈએ એન ડિવિઝન ટ્રાફિક-પોલીસે હોમગાર્ડ જવાનની અટકાયત કરી હતી.

વેન્ટો કારમાં બેસીને ચાલકને પીછો કરવાનું કહેનાર હોમગાર્ડ જવાનનું નામ પરબત ઠાકોર હોવાનું બહાર આવ્યું હતું. એસ.જી. હાઈવે પર આવેલા ગુરુદ્વારા પોઇન્ટ પર આ જવાન ફરજ બજાવતો હતો. પોલીસ મુજબ પર્વ શાહની આઈ ટ્વેન્ટી કારનો પીછો કરવાનું હોમગાર્ડ જવાને કહ્યું હતું. જોકે આઈ ટ્વેન્ટી કારે અકસ્માત સર્જ્યો ત્યાર બાદ એને પરત ગુરુદ્વારા મૂકી જવાનું ધીર પટેલને દબાણ કર્યું હતું. પોલીસ દ્વારા હોમગાર્ડ જવાનનું નિવેદન લીધા બાદ શું તેની સામે કોઈ કાર્યવાહી થશે? 29 જૂનની રાતે અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે i20 આઈ ટ્વેન્ટી  કારથી શ્રમજીવી પરિવારને ફંગોળનારા પર્વ શાહ કેસમાં એક દિવસમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો હતો. પર્વ શાહ અકસ્માત બાદ થોડા કલાકોમાં જ પોલીસના શરણે આવી ગયો હતો. પર્વએ પોલીસને કહ્યું હતું કે પોલીસની કાર તેની પીછો કરી રહી હતી.