- સવારથી આઈટીની ટીમે સર્ચ-સર્વેની કામગીરી શરૂ કરી
- અમદાવાદ ઉપરાંત સુરત, રાજકોટ અને સુરતની ટીમ પણ જોડાઈ
- તપાસના અંતે કરોડોની કરચોરી પકડાવવાની શકયતાઓ
અમદાવાદઃ દિવાળા બાદ નવા વર્ષના આરંભ સાથે જ સક્રિય થયેલા આવકવેરા વિભાગે અમદાવાદ શહેરમાં બિલ્ડીર તથા ગુટકાના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ ઉપર દરોડા પાડ્યાં હતા. આવકવેરા વિભાગની ટીમે પોલીસને સાથે રાખીને 14 સ્થળો ઉપર દરોડા પાડીને તપાસ શરૂ કરી હતી. આવકવેરા વિભાગના દરોડાને પગલે અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. આઈટીની તપાસમાં કરોડોની કરચોરી સામે આવવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
પ્રાથમિક માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં મેગા ઓપરેશનમાં આઈટીની ટીમે ગુટખા-પાનમસાલાના ડીલર મુસ્તુફા શેખ અને તેમના ભાગીદારોના નિવાસ સ્થાન અને વ્યવસાયના સ્થળો ઉપર દરોડો પાડીને તપાસ શરૂ કરી હતી. મુસ્તુફા શેખ કેટલાક બિલ્ડરો સાથે પણ જોડાયેલા હોવાથી બિલ્ડરોના ત્યાં પણ સર્ચ-સર્વેની કામગીરી કરવામાં આવી હતી. શહેરના પાલડી, કાલુપુર, આશ્રમરોડ સહિત 14 જેટલા સ્થળો ઉપર સર્ચ-સર્વેની કામગીરી કરાઈ હતી. રાજકોટ ઇન્વેસ્ટિગેશન વિંગના ઉચ્ચ અધિકારીઓ પણ આ દરોડામાં જોડાયા છે. આજે વહેલી સવારે વિંગના અધિકારીઓ ત્રાટકયા હતા અને દરોડાની કામગીરી હાથ ધરી છે. દરોડાની કામગીરીમાં અમદાવાદ અને રાજકોટ ઉપરાંત સુરત તથા વડોદરાના અધિકારીઓ પણ જોડાયાં હતા. આવકવેરા વિભાગના દરોડા દરમિયાન કેટલાક વાંધાજનક દસ્તાવેજ અને વ્યવહારોની વિગતો મળી હોવાનું જાણવા મળે છે. આવકવેરા વિભાગના દરોડાના અંતે કરોડોની કરચોરી સામે આવવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
(PHOTO-FILE)