અમદાવાદઃ સાબરમતી જેલમાં બંધ કેદીઓ થયાં સંક્રમિત, 17 કેદીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં સૌથી વધારે કોરોનાના કેસ નોંધાયાં છે. રાજ્યની જેલમાં બંધ કેદીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. ડીસાની સબજેલમાં બંધ કેટલાક કેદીઓ કોરોના સંક્રમિત થયાં હતા. અમદાવાદની સાબરમતી જેલમાં કોરોના પહોંચ્યો છે. જેલના લગભગ 17 જેટલા કેદીઓ સંક્રમિત થયાં હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર સાબરમતી જેલમાં બંધ કેટલાક કેદીઓએ બીમારીની ફરિયાદ કરતા તેમનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં 17 કેદીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. બીજી તરફ અન્ય કેદીઓમાં પણ સંક્રમિત ફેલાયું છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી છે. હાલ જેલમાં 3500 જેટલા કાચા અને પાકા કામના કેદીઓ સજા ભોગલી રહ્યાં છે. કેદીઓમાં સંક્રમણ ના ફેલાય તે માટે તેમને રસી આપવામાં આવી છે. મોટાભાગના કેદીઓને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે બે હજાર જેટલા કેદીઓને રસીનો બીજો ડોઝિ આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. હાલ કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સ અને વિવિધ બીમારીથી પીડાતા સિનિયર સિટીઝનને પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યો છે. 20 જેટલા પોલીસ કર્મચારીઓ અને કેદીઓને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે.