અમદાવાદઃ ફાઇનલ મેચને લઈ લોખંડી બંદોબસ્ત, સ્ટેડિયમમાં 4000 પોલીસ જવાનો તૈનાત રહેશે
અમદાવાદઃ આઈસીસી વર્લ્ડકપની ફાઈનલ મેચ આવતીકાલે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મેચને નિહાળવા માટે સ્ટેડિયમમાં એક લાખથી વધારે દર્શકો ઉપસ્થિત રહેવાની શકયતા છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્ટેડિયમમાં ચાર હજારથી વધારે પોલીસ જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં પાંચ હજારથી વધારે પોલીસ અધિકારી-કર્મચારીઓ સુરક્ષામાં તૈનાત રહેશે. એટલું જ નહીં ફાઈનલ મેચને લઈને સ્ટેડિયમ વિસ્તારમાં વાહનોને ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 IG, 20 ACP, 145 PSI સહિત 13 DCP સુરક્ષામાં તૈનાત કરાયા છે. સ્ટેડિયમમાં ચાર હજાર જેટલા પોલીસકર્મીઓ તૈનાત રહેશે. તો બીજી તરફ શહેરની વાત કરવામાં આવે તો 4 IGP, 27 ACP, 230 PSI તૈનાત રહેશે. શહેરમાં ટ્રાફિક પોલીસમાં 1 IGP, 11 ACP, 36 PSI સુરક્ષામાં તૈનાત રહેશે. જ્યારે શહેરના રસ્તાઓ પર 5 હજાર પોલીસકર્મીઓની તૈનાતી જોવા મળી રહી છે. મેચને જોવા માટે લાખોની સંખ્યામાં દર્શકો આવશે. જેથી તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્ટેડિયમમાં અને આસપાસના વિસ્તારમાં સીસીટીવી કેમેરા મારફતે પોલીસ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત મેચ જોવા આવતા દર્શકો માટે વાહન પાર્કિંગની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં દર્શકોના પરિવહન માટે એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રો ટ્રેન દોડવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.