Site icon Revoi.in

મેઘરાજા વિદાય લેવાના મુડમાં, હવે બપોરે ગરમી અને રાત્રે ઠંડી, એમ બેવડી ઋતુ અનુભવાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતભરમાં ભાદરવો ભરપૂર રહ્યો, એટલે કે એક મહિનામાં જ વરસાદની ઘટ પુરી થઈ ગઈ છે. આવતીકાલ ગુરૂવારથી નવલાં નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે મેઘરાજા પણ વિદાય લઈ રહ્યા છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે રાજ્યમાં આ વખતે નવરાત્રીના પહેલા નોરતે ચોમાસુ વિદાય લઈ શકે છે. રાજ્યમાં મોન્સૂન વિડ્રોઅલ સિસ્ટમ સક્રિય થતાં નૈઋત્યનું ચોમાસુ ગુરુવારથી જ તબક્કાવાર વિદાય લેવાનું શરૂ કરી દેશે. પરંતુ હજુ બે દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં પાછોતરા વરસાદની વકી છે. રાજ્યમાં કેટલાક દિવસથી ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યાં છે સાથે ગરમીનો પારો પણ વધી રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાછોતરા વરસાદની આગાહી છે. જેમાં અમદાવાદ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય વરસાદ થઈ શકે છે. ડાંગ,નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે. આ ઉપરાંત આગામી બે દિવસમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુરુવારે દક્ષિણ ગુજરાતમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે.

ગુજરાતમા જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ સુધી જાણે દુકાળ પડવાનો હોય તેવી સ્થિતિ હતી. પરંતુ સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી જ રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયાં હતાં અને સમગ્ર સિઝનની ખોટ પૂર્ણ કરી દીધી હતી. સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટી થતાં ખેડૂતોને સૌથી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થતાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની મહત્તમ ઘટ 15 ટકા છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં 24 ટકા વધુ વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે 17 સપ્ટેમ્બર બાદ ચોમાસાની વિદાય શરૂ થાય છે પરંતુ આ વખતે 7 ઓક્ટોબરથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓક્ટોબરના બીજા સપ્તાહથી ગુજરાતમાં રાત્રે ઠંડીના ચમકારા અને બપોરે આકરો તાપ લાગશે. જેથી બેવડી મોસમ શરૂ થશે. જો કે નવેમ્બર મહિનામાં પારો 30 ડિગ્રીની નીચે જવાની શક્યતાઓ છે. જેથી લોકોને ગરમી અને બફારાથી છુટકારો મળે તેવી શક્યતાઓ છે.  હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં 7 ઓક્ટોબરથી દિવસનું મહત્તમ તાપમાન 37 ડિગ્રીથી વધતા ગરમી અનુભવાશે.