અમદાવાદઃ અનુપમ બ્રિજ પાસે જેસીબીની ટક્કરથી દિવાલ ધરાશાયી, 2ના મોત
અમદાવાદઃ શહેરના અનુપમ બ્રિજ પાસે દીવાલ ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. જેસીબીની ટક્કરથી દિવાલ ધરાશાયી થઈ હોવાનું જાણવા મળે છે. આ બનાવમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળ મોત થયાં હતા. જ્યારે એક વ્યક્તિને ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ખોખરા કાંકરિયા સાથે જોડતા અનુપમ ઓવરબિજ પાસે સલાટનગર વસાહતની વીસેક ફુટ લાંબી દિવાલ હતી. ભારે ગરમીને કારણે પિતા – પુત્રી દિવાલ પાસે છાયડામાં આવીને બેઠા હતા. દરમિયાન પાંચેક ફુટ ઉંચી આ દીવાલ સાથે જેસીબી અથડાતાં ધરાશયી થઈ હતી. દિવાલના કાટમળ નીચે પિતા-પુત્ર દબાઈ ગયા હતા. જ્યારે એક વ્યક્તિ પણ કાટમાળ નીચે દબાયો હતો. આ બનાવની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર દોડી જઈને બચાવ કામગીરી આરંભી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ કાટમાળ હટાવીને નીચે દબાયેલા પિતા-પુત્ર સહિત 3 વ્યક્તિને બહાર કાઢીને હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. જ્યાં પિતા-પુત્રના મોત થયાનું જાણવા મળે છે. આ બનાવને પગલે લોકોમાં રોષ ફેલાયો હતો અને જેસીબી ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. જો કે, પોલીસે બળપ્રયોગ કરીને ટોળાને વિખેર્યું હતું.
સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, લાંબા સમયથી અહીં બ્રિજની કામગીરી ચાલી રહી છે. આ લોકો મન ફાવે તેમ કામ કરે છે. તેમને વારંવાર સુચના આપવા છતાં તેઓ કોઇ ધ્યાન રાખતા નથી. આજે જેસીબીનો કોન્ટ્રાક્ટર પોતે જ તે ચલાવતો હોવાનું અને તે પણ દારૂ પીને ચલાવતો હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે.