અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો બોગસ વીડિયો કેસમાં અમદાવાદ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પીએ તથા આમ આદમી પાર્ટીના નેતાની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. જીગ્નેશ મેવાણીના પીએ સહિત બે વ્યક્તિઓની ધરપકડને પગલે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ક્રાઈમબ્રાંચે જીગ્નેશ મેવાણીના પીએ સતીશ વંસોલા અને આમ આદમી પાર્ટીના આર.બી.બારિયાની ધરપકડ કરી છે. સમગ્ર મામલે જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, કોઈ પણ બોગસ વસ્તુનું સમર્થન કરતો નથી, પરંતુ આજનો સમય સોશિયલ મીડિયાનો છે. ચૂંટણીના માહોલમાં કોઈ પ્રચાર-પ્રસાર ના કરી શકે તે માટે નેતાઓ-કાર્યકરોની ધરપકડ કરવામાં આવી રહી છે. જીગ્નેશ મેવાણીએ ભાજપના આઈટી સેલ ઉપર પણ ગંભીર આક્ષેપ કર્યો છે.
આ પ્રકરણને લઈને અસમના સીએમ હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે, અસમ કોંગ્રેસના નેતા રીતમ સિંહની બોગસ વીડિયો કેસમાં ધરપકડ કરી હતી. રીતમ સિંહ કોંગ્રેસના વોર રૂમના સંયોજક છે. દિલ્હી પોલીસે આ પ્રકરણમાં તેલંગાણાના સીએમ રેડ્ડીને નોટિસ પાઠવીને પૂછપરછ માટે બોલાવ્યાં છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો એડિટ કરીને શેર કરવામાં આવ્યો હતો. આ બોગસ વીડિયોમાં અમિત શાહના નિવેદનને તોડ-મરોડીને રજુ કરવામાં આવ્યું હતું. આ વીડિયોમાં આરક્ષણ સમાપ્ત કરવાની અમિત શાહ ઉલ્લેખ કરતા જોવા મળ્યાં હતા. દિલ્હી પોલીસે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પાસે બોગસ વીડિયોના સ્ત્રોત અંગે જાણકારી માંગી છે.