અમદાવાદઃ ઉત્તરાયણ આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે હજુપણ પતંગ અને દોરીની ખરીદીમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજીબાજુ પતંગો અને દોરીના ભાવમાં પણ વધારો થયો છે. પતંગના જથ્થાબંધ વેપારીઓના કહેવા મુજબ કોરોનાની દહેશત અને કાચા માલની મર્યાદિત આવકને કારણે પતંગનું ઉત્પાદન પણ 25 ટકા ઘટી ગયું છે. તેની સાથે સાથે આ વર્ષે પતંગના ભાવમાં 25થી 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાની દહેશત તથા કાચા માલની પૂરતા પ્રમાણ ઉપલબ્ધતા ન મળવાથી ચાલુ વર્ષે પતંગનું ઉત્પાદન દર વર્ષની સરખામણીએ ઓછું છે.
અમદાવાદના રાયપુર દરવાજા વિસ્તારમાં આવેલા પતંગના જથ્થાબંધ વેપારીઓએ જણાવ્યું હતું કે, ઉત્તરાણના પર્વને બે અઠવાડિયા જેટલો સમય બાકી રહ્યો છે. છતાં હજુપણ પતંગ અને દોરીની ખરીદી નીકળી નથી. બીજાબાજુ ગત વર્ષની તુલનાએ આ વર્ષે પતંગ અને દોરીના ભાવમાં 25 ટકા જેટલો વધારો થયો છે. કારણ કે કોલકાત્તાથી પતંગ બનાવવા માટે આવતી સળી અને હૈદરાબાદથી આવતા કાગળ દર વર્ષની જેમ પર્યાપ્ત માત્રમાં મળ્યા નથી. જેના કારણે પતંગનું ઉત્પાદન આશરે 25 ટકા ઓછું થયું છે. માત્ર એટલું જ નહીં પતંગની વેરાયટીમાં પણ કોઈ ફેરફાર જોવા મળતો નથી.
જમાલપુર વિસ્તારમાં પતંગ બનાવતા રંગરેજે જણાવ્યું હતું કે, કોરોનાની દહેશતના કારણે પણ પતંગો મોટી માત્રામાં બનાવી નથી. બીજી તરફ લેબર ચાર્જ વધવાથી પણ પતંગના ભાવ પર અસર જોવા મળી છે. જોકે અંતિમ ઘડીએ પતંગની માગ વધે તો ફરીથી નવા માલનું ઉત્પાદ કરવું પડશે. રખિયાલ વિસ્તારના પતંગના હોલસેલ વેપારીએ જણાવ્યું હતું. કે, હોલસેલ માર્કેટમાં પતંગનો વેપાર સંતોષકારક છે. જોકે આ વર્ષે માત્ર પતંગ નહિં, પરંતુ દોરીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દોરીના ભાવમાં 30-35 ટકા ભાવ વધ્યા છે. ઉપરાંત આ વખતે અમદાવાદમાં કર્ફ્યુનો સમય 11 વાગ્યાથી હોવાના કારણે તેની વેપાર પર મોટી અસર જોવા નહીં મળે. પરંતુ વેપારીઓએ હાલની પરિસ્થિતિને જોતા કાળજીપૂર્વક વેપાર કરવો પડશે.