Site icon Revoi.in

અમદાવાદઃ જાણીતી કંપનીના નામે મોબાઈલના ડુપ્લિકેટ એસેસરિઝ બનાવવાનો પર્દાફાશ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં હાલના આધુનિક જમાનામાં મોટાભાગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. દરમિયાન અમદાવાદમાં જાણીતી કંપનીની ડુપ્લિકેટ એસેસરિઝ વેચવાનો ગોરખધંધો પર્દાફાશ થયો હોવાનું જાણવા મળે છે. અમદાવાદ નજીક બાકરોલ જીઆઈડીસીની એક ફેક્ટરીમાંથી જાણીતી મોબાઈલ ફોન કંપનીઓના માર્કા અને બોક્સમાં પેક કરીને વેચવા માટે તૈયાર કરવામાં આવતાં હેન્ડસ ફ્રીનો મોટો જથ્થો પકડાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર બાકરોલ જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં વિવિધ મોબાઈલ કંપનીઓના કોપીરાઈટ નિયમોને અવગણીને ડુપ્લિકેટ એસેસરીઝ બનાવવામાં આવતી હોવાની ફરિયાદ જયપુરના રહીશ કંવલજીતસીંગ પુરણસીંગ પંજાબીએ સીઆઈડી ક્રાઈમમાં આપી હતી. જેથી સીઆઈડી ક્રાઈમની ટીમે બાકરોલ જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ફેક્ટરીમાં મોબાઈલ એસેસરીઝ બનાવવા માટે લાકડાના અને લોખંડના ત્રણ ઉભા ઘોડા મળ્યાં હતાં. અહીં 24 શ્રમજીવીઓ મોબાઈલ એસેસરિઝનું એસેમ્બલિંગ કરી રહ્યાં હતાં.

મોબાઈલ એસેસરીઝમાં વપરાતી વસ્તુઓને મિકેનિકલી અને ટેકનિકલી ફીનિશ કરવા માટેના ત્રણ મશીન પણ મળી આવ્યાં હતાં. પોલીસની તપાસમાં મુંબઈના એક વ્યક્તિની સંડોવણી સામે આવી છે. સીઆઈડી ક્રાઈમની તપાસમાં મોબાઈલ ફોનના હેન્ડસ ફ્રી બનાવવા માટેની નાની-મોટી કેપ, લીડ બોક્સ, એરફોન લીડ બોક્સ, નેક બેન્ડ, એરફોન સ્પીકર વગેરે મળીને કુલ અલગ અલગ પ્રકારની 22 સામગ્રીના કાચા માલના બોક્સ મળી આવ્યાં હતાં. કાચા માલમાંથી જાણીતી મોબાઈલ કંપનીના ડુપ્લિકેટ હેન્ડસ ફ્રી એસેમ્બલ કરવામાં આવતાં હતાં. સીઆઈડીની ટીમે કુલ રૂ. 3.66 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.